Gujaratની નડિયાદ મહાનગર પાલિકામાં ઈન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સપેક્ટર દ્વારા મેડીકલ ઓફીસર ઓફ હેલ્થને સાથે રાખી એકાએક શહેરની ભાગ્યોદય હોટલમાં તપાસ હાથ ધરી હતી. ઉચ્ચાધિકારીઓની પૂર્વ મંજૂરી વગર આ કાર્યવાહીના નામે હોટલ સંચાલકને 50 હજારનો દંડ ફટકાર્યો હતો. આ બાદ દાળમાં કાળુ ભાળી ગયેલા કમિશ્નર દ્વારા પરીપત્ર જાહેર કરી તમામ શાખાધિકારીઓએ કોઈ પણ ખાનગી એકમમાં કાર્યવાહી પહેલા ઉચ્ચાધિકારીઓની પરવાનગી લેવા આદેશ કર્યો છે.
મળતી માહિતી મુજબ Gujarat માં નડિયાદ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સપેક્ટર મયંક દેસાઈ મંગળવારે આકસ્મિક મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ પ્રેરણા ગ્વાલાનીને સાથે રાખી ભાગ્યોદય હોટલ પર તપાસ માટે પહોંચી ગયા હતા. આ તપાસ દરમિયાન ખામીઓ કાઢી અને 50 હજારનો દંડ વસુલ્યો હતો.

જેના કારણે હવે મનપા પટ્ટાંગણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ખાસ કરીને ફૂડ બાબતની કોઈ પણ ફરીયાદની કાર્યવાહી હોય, તો તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરવાની હોય છે, તેવા સંજોગોમાં મનપાના કર્મચારીઓએ સપાટો બોલાવી અને હોટલમાં જમવાની વસ્તુઓમાં ગુણવત્તા ન હોવાનું પણ જણાવ્યુ હતુ.
જો કે, આ સમગ્ર તપાસમાં આંતરીક કંઈક જુદો મામલો હોવાની ગંધ કમિશ્નરને આવી ગઈ હતી, જેથી ગતરોજ કમિશ્નર જી. એચ. સોલંકી દ્વારા ત્વરીત આ મામલે પરીપત્ર કરી અને તમામ શાખાધિકારીઓને કોઈ પણ ખાનગી એકમ-કંપનીમાં તપાસ પહેલા ડે. કમિશ્નર/કમિશ્નરની પરવાનગી, અનુમતિ મેળવીને જ આવા ખાનગી સ્થળોએ ચેકીંગ કે અન્ય કોઈ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
ભાગ્યોદય હોટલમાં તપાસ કર્યા બાદ ઈન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર અને મેડીકલ ઓફીસર દ્વારા સમગ્ર મામલો કમિશ્નરના સંજ્ઞાનમાં લાવવાને બદલે જાતે જ નિવેદનો આપવામાં આવ્યા હતા. જેમાં પણ ઉચ્ચાધિકારીઓની મંજૂરી ન લીધી હોવાની ચર્ચાઓ છે.