મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત Gujaratના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું છે.
સરદાર સાહેબની જન્મ ભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદના કરાવતાં સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યું હતું, તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે.
મુખ્યમંત્રીએ આ રાષ્ટ્રીય પર્વે પ્રજાજનોને આપેલા પ્રેરક સંદેશમાં સુશાસન સંબંધિત બે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે રૂ. ૫૦૧૭ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી.
એટલું જ નહી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુંથી જરૂરતમંદ એન.એફ.એસ.એ. પરિવારોની માસિક આવકની મર્યાદા રૂ. ૧૫ હજારથી વધારીને રૂ. ૨૦ હજાર કરવાની પણ તેમણે ઘોષણા કરી હતી.
મુખ્યમંત્રીએ સુશાસનના જે સાત સપ્તર્ષિ સંકલ્પોના પાયા ઉપર ગુજરાતને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપનારૂ રાજ્ય બનાવવું છે, તે પરિપ્રેક્ષ્યમાં ઉમેર્યું કે, સુગમતા-સરળતાના સંકલ્પથી લોકહિત યોજનાઓનો લાભ મેળવવામાં કોઇને અગવડ ના પડે તેવી ‘‘ફ્રિક્સન લેસ’’ ગવર્નન્સ વ્યવસ્થા વધુ સંગીન બનાવવી છે.
સુશાસનના ત્રીજા સંકલ્પ સંપર્ક અંતર્ગત આધુનિક સંપર્કના માધ્યમોથી લોકો પોતાની રજૂઆતો સરકાર સુધી ઝડપભેર અને સરળતાથી પહોંચાડી શકે અને સરકાર પણ સામે ચાલીને તેનું સમાધાન લાવે તેવા પ્રયત્ન કરાશે.
આ માટે ડિઝીટલ ગુજરાત, સ્વાગત ઓનલાઇન, સીએમ ડેશબોર્ડ, વોટ્સએપ બોટ, રાઇટ ટુ સીએમ સહિતના પ્રજા અને પ્રશાસન વચ્ચેના સંપર્ક માધ્યમોને વધુ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કરાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અમે નાગરિકોની સેવામાં સમર્પિત છીએ. નેશન ફર્સ્ટના ભાવથી કામ કરી દરેક ગુજરાતીમાં દેશ પ્રત્યેનો ભાવ બળવત્તર બને તેવો સરકારનો ધ્યેય છે.
‘‘મારૂં ગુજરાત, સર્વ શ્રેષ્ઠ ગુજરાત’’ના ભાવ સાથે વિકાસની પ્રક્રિયામાં લોકસહભાગિતાની વૃદ્ધિ માટે પણ તેમણે આહવાન કર્યું હતું. વિકાસના કેન્દ્ર બિંદુ એવા વિવિધ વંચિત વર્ગો આદિજાતિ, મહિલાઓ તથા ગરીબોના સશક્તિકરણનો સુશાસન સપ્તર્ષિના છઠ્ઠા સંકલ્પ તરીકે મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ સુરક્ષા સંબંધિત સુશાસન સંકલ્પ અંગે ઉમેર્યું કે, વિકાસના પાયામાં સુરક્ષા, સલામતી અને શાંતિ રહેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ દેશ અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કાયદો તથા વ્યવસ્થા વધુ સંગીન બનાવવા જૂના કાયદાઓમાં સુધારો કરી ત્રણ નવા કાયદાઓ અમલમાં બનાવવામાં આવ્યા છે.
ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક એમ ત્રણ નવા કાયદાઓ હવે અમલી થતાં સમગ્ર દેશમાં એક જ ન્યાયદંડ સંહિતા લાગુ થઇ છે. આ નવા કાયદાઓથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને લોકોની સલામતી માટે યોગ્ય પગલાં લઇ શકાશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે દેશને સ્વરાજ્ય અપાવ્યું અને ગુજરાતના બે પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહે સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યની યાત્રામાં પ્રેરિત કરી છે. સુરાજ્ય – સુશાસન દ્વારા હવે તેમણે વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે, તેમાં આપણે સહભાગી થતાં ગુજરાતને પણ વિકસિત ગુજરાત બનાવશું.
વિકસિત ગુજરાત @2047 નું દિશાદર્શન કરાવતો વિઝન ડોક્યુમેન્ટ રાજ્ય સરકારે અર્નિંગ વેલ અને લિવિંગ વેલના બે મુખ્ય આધાર પર તૈયાર કર્યો છે. તેની ભૂમિકા આપતા પટેલે કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓ વેપારવાણિજ્યમાં અગ્રેસર રહ્યા છે.
કૃષિ, ઉદ્યોગ, સેવા સહિતના ક્ષેત્રોના વિકાસ અને તમામ નાગરિકોની આર્થિક પ્રગતિનો ધ્યેય પણ રાજ્ય સરકારે રાખ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત અને પોલીસી ડ્રિવન એપ્રોચથી ગુજરાતનો આર્થિક પાયો મજબૂત થયો છે.
‘‘અર્નિંગ વેલ’’ની દિશામાં રાજ્યમાં અનેક યોજનાઓના અમલીકરણ થકી નેત્રદીપક કામગીરી થઇ રહી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિની સફળતાને પગલે ગુજરાત ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકંડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે અને આ ક્ષેત્રમાં રૂ. એક લાખ કરોડથી વધુનું રોકાણ થયું છે.
એટલું જ નહી, ભારતની પહેલી સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ ગુજરાતમાં થવાનું છે. ગ્રીન ગ્રોથ – રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતનું મહત્વનું યોગદાન રહેવાનું છે.
ઉક્ત બાબતમાં તેમણે ઉમેર્યું કે, ગુજરાત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા ૩૭ ગીગાવૉટના સોલાર-વિન્ડ હાઈબ્રીડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત રહેણાંક મકાનોમાં સોલાર રૂફટોપ સિસ્ટમના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘‘લિવિંગ વેલ’’ની વિભાવના સ્પષ્ટ કરતા કહ્યું કે, નાગરિકોનું જીવન ધોરણ ઉંચુ આવે અને ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ સમાજના ચાર સ્તંભોને કેન્દ્ર બિંદુમાં રાખવામાં આવ્યા છે. પીએમ આવાસ યોજના હેઠળ ૫.૫૬ લાખથી વધુ આવાસોનું નિર્માણ કરીને ગરીબોને આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, કોઇ ભૂખ્યું ના સુવે તેની કાળજી રાખીને વડાપ્રધાનએ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ પાંચ વર્ષ લંબાવી છે અને ગુજરાતમાં કરોડો લોકોને તેમાં આવરી લેવામાં આવ્યા છે. શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના, બસેરાની વ્યવસ્થા કરી રોટલો અને ઓટલો બેય આપ્યા છે.
આદિજાતિઓના સર્વગ્રાહી કલ્યાણ માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી રૂ. એક લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજનાથી આદિવાસી સમુદાયના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આપણે એ યોજનાની સફળતાને પગલે વનબંધુ કલ્યાણ યોજના – ૨, ૨૦૨૧થી ૨૦૨૬ રૂ. એક લાખ કરોડની જોગવાઇ સાથે શરૂ કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યના યુવાનો માટે કૌશલ્ય વર્ધન, સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, ૪૫ લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિ, ૧૫ લાખ ખેડૂતોને સુક્ષ્મ સિંચાઇ યોજનાનો લાભ, સુજલામ સુફલામ જળ સંચય અભિયાનથી ૧૧૨૩ લાખ ઘનફૂટ વધુ જળ સંગ્રહ ક્ષમતા, આયુષ્યમાન કાર્ડ, ૩.૧૩ લાખ મહિલાઓનું સખી મંડળોમાં જોડાણ સહિતની વિકાસલક્ષી બાબતોનો ચિતાર મુખ્યમંત્રીએ આપ્યો હતો. મુખ્યમંત્રીએ સ્વતંત્રતાના સેનાનીઓનું સ્મરણ કરી આઝાદી પર્વની સૌનો શુભકામનાઓ આપી હતી.
વડાપ્રધાનના માર્ગદર્શનમાં વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં ટીમ ગુજરાતના અવિરત પુરુષાર્થ અને જનજનના સહયોગથી સુશાસનના સપ્તર્ષિ સંકલ્પો સાથેનું વિકસિત ગુજરાત બનાવવાના દ્રઢ નિર્ધારનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.
મુખ્ય સચિવ રાજ કુમાર અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ દોરી ગયા હતા. વાયુસેનાના હેલીકોપ્ટરે રાષ્ટ્રધ્વજ ઉપર આકાશમાંથી પુષ્યવૃષ્ટિ કરી હતી. મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનએ એક પેડ મા કે નામના આપેલા કોલને ચરિતાર્થ કરવા ખેડા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મયોગીઓ દ્વારા નિર્મિત ચાર હજાર વૃક્ષોના કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું.
આ ધ્વજ વંદન સમારોહમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વ પંકજભાઈ દેસાઈ, રાજેશ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, પ્રભારી સચિવ આર.સી.મીના, વરિષ્ઠ અધિકારીઓ, કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવા ,પદાધિકારીઓ, અગ્રણીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.