Sabarkantha: ગુજરાતના સાબરકાંઠામાં આજે એક કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકની હાલત નાજુક છે. અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા હતા. મૃતકો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હતા. હિંમતનગરમાં સહકારી જીન પાસે આ અકસ્માત થયો હતો. ફાયર વિભાગે કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે કેસ નોંધ્યો છે.

આ પહેલા મહારાષ્ટ્રના જાલનામાં ટ્રક અને બસ વચ્ચેની અથડામણમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગેવરાઈથી અંબડ જતી બસ અને મોસંબી તરફથી આવી રહેલ ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો.

મોડાસાના કડવા પાટીદાર સમાજની વાડી સામે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે.

દરમિયાન, બિહારના મુઝફ્ફરપુરમાં સોમવારે થયેલા માર્ગ અકસ્માતમાં લોક જનશક્તિ પાર્ટી (R) ના વૈશાલી સાંસદ વીણા દેવીના પુત્રનું મૃત્યુ થયું હતું. આ માર્ગ અકસ્માત મુઝફ્ફરપુરના કરજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. લોક જનશક્તિ પાર્ટીના સાંસદ વીણા દેવી અને જનતા દળ (યુનાઈટેડ) એમએલસી દિનેશ પ્રસાદ સિંહના પુત્ર રાહુલ રાજ ઉર્ફે છોટુ સિંહનું આ વિસ્તારના પેટ્રોલ પંપ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.