Gujarat: રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ છે. ત્યારે મચ્છરો અને ગંદકી જેવી સમસ્યાઓથી પ્રજા ત્રાહિમામ પોકારતી હોય છે. આ વચ્ચે અનેક બીમારીઓની ઝપેટમાં લોકો આવી જતા હોય છે. ત્યારે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા રોગ અટકાવ તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ અટકાવવા સંદર્ભે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા પ્રસંશનીય કામગીરી કરી છે.

રાજ્યના તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગાડ્રાઇવ પુરજોશમાં હાથ ધરાઇ છે. વરસાદી ઋતુ ચાલુ હોવાથી પાણી કે મચ્છરજન્ય રોગચાળાને પણ અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજયમાં ગ્રામ્ય અને સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન અને અન્ય દવા તેમજ સ્પ્રે છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ ચાલુ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકે, મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય તે માટે દવા અને સ્પ્રે છંટકાવની કામગીરી સઘન રીતે હાથ ધરાઇ છે. વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા અસરગ્રસ્ત વિસ્તારોમાં સખત સર્વેલન્સ કરીને આ વિસ્તારમાં દવા છંટકાવ કામગીરીને પ્રાથમિકતા અપાઇ છે.