Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.માં નવી નિમણૂક મેળવેલા ૨૩૨૦ કંડક્ટર કક્ષાના યુવાઓ અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત વિવિધ સંવર્ગના ૧૪૪ અધિકારીઓને મહાત્મા મંદિરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ આ નવ યુવા માનવબળને ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગણાવતા કહ્યું કે, આ યુવાશક્તિની સેવાઓથી વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત @ ૨૦૪૭ના નિર્માણમાં નવી ગતિ આવશે. 

તેમણે ઉમેર્યું કે, એસ.ટી. સેવાઓ સામાન્યમાં સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે અને પાણી દરેક માનવીના જીવનનો આધાર છે આ બેય ક્ષેત્રો રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વના છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યું છે.

એક સમયે પાણીની અછતનો સામનો કરનારું ગુજરાત સુદ્રઢ જળ વ્યવસ્થાપન, વિશાળ વોટર ગ્રીડ અને નર્મદાના જળથી જળક્રાંતિ કરનારું રાજ્ય બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, ગામડાના કે શહેરના સૌના પરિવહન માટેની જીવાદોરી સમાન એસ.ટી.માં સેવારત થઈ રહેલા કંડક્ટર કક્ષાના ઉમેદવારો માટે પણ જન સેવાની મોટી ઈશ્વરીય તક આવી છે. 

તેમણે વડાપ્રધાનશ્રીએ લોકોને સસ્તી, સારી, સુરક્ષિત અને ટેક્નોલોજી સાથેની પરિવહન સેવા આપવાના નિર્ધારથી એસ.ટી.માં જે કાયાપલટ કર્યો તેની વિશેષ ભૂમિકા આપી હતી. જન સેવાના આ કાર્યોમાં કર્મચારી યુનિયનોએ પણ સહયોગ આપીને એસ.ટી. સેવાઓ અવિરત રાખી છે. આજે નવી એ.સી. વોલ્વો બસ, સ્લીપર કોચ અને ઈલેક્ટ્રીક બસો  રાજ્યના માર્ગો પર દોડી રહી છે તેમ તેમણે કહ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારની સેવાઓમાં ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાવી છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, આના પરિણામે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ બેય આવ્યા છે. રાજ્ય સરકારના વિભાગોમાં શરૂ કરેલા દસ વર્ષીય ભરતી કેલેન્ડરથી મેન પાવર પ્લાનિંગ દ્વારા યુવા, ટેક્નોસેવી અને રાષ્ટ્રહિત સમર્પિત વિચારો ધરાવતું માનવબળ મળશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. નવી નિમણૂક મેળવી રહેલા સૌને મુખ્યમંત્રીશ્રીએ ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી.

તેમણે અમૃતકાળની યુવા પેઢીને અમૃતપેઢી ગણાવતા આઝાદીની શતાબ્દીએ વિકસિત ભારતની વડાપ્રધાનશ્રીની નેમ સ્વચ્છતા, પાણી બચાવો જેવા સંકલ્પોથી સાકાર કરવાના સંવાહક બનવા નવ નિયુક્ત યુવાકર્મીઓને આહવાન કર્યું હતું.

સરકારી સેવામાં જોડાનાર તમામ અધિકારોશ્રીઓ, કર્મચારીશ્રીઓને અભિનંદન પાઠવતાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, આજે આપ સૌ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારમાંથી સરકારી સેવક બન્યા છો. રાજ્યના છેવાડાના નાગરીકો સુધી પાણી પહોંચાડવાની મહત્વની કામગીરીમાં આપ સૌએ કડીરૂપ ભૂમિકા ભજવવાની છે. જળસંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગમાં આગામી વર્ષોમાં કુલ ૩૫૪૨ નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલી વિકાસની કેડી પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિકાસની આ વણથંભી યાત્રાને આગળ ધપાવવાની જવાબદારી આજે સરકારી સેવામાં જોડાનાર સૌની છે. આજે નિમણૂક પામનાર સૌ સરકારના સેવકોને પૂર્ણ નિષ્ઠા, જવાબદારી અને પ્રામાણિકતાથી કામ કરી લોકસેવામાં પોતાનું યોગદાન આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

એસ.ટી નિગમના કંડક્ટર કક્ષાના ૨૩૨૦ ઉમેદવાર અને પાણી પુરવઠા વિભાગના વિવિધ સંવર્ગોમાં નિમણૂક પામેલા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવતા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષા લઈને ૨૩૨૦ ઉમેદવારોને એસ. ટી વિભાગમાં એમની કુશળતાથી નોકરી પ્રાપ્ત કરી એસ.ટી પરિવારમાં જોડાવા બદલ સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. ગુજરાત એસ.ટી માત્ર એક પરિવહનની વ્યવસ્થા નથી, પરંતુ ગુજરાતના દરેક નાગરિકની લાઇફલાઇન છે, એસ.ટીની બસો અંતરિયાળ ગામડાંથી લઈને નગરો સુધી તમામ નાગરિકોને પરિવહનની સુવિધા આપે છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એસ.ટીના અધિકારીઓના વિઝનથી, કર્મચારીઓના તાકાતથી નાગરિકોની સુવિધાઓમાં માત્ર  ઉમેરો નહિ પરંતુ  ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે રેકોર્ડબ્રેક સેવા એસ.ટી નિગમ આપી રહ્યું છે. ગુજરાત એસ.ટી એ ગુજરાતનું ગૌરવ છે. એક વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું વિઝન છે કે, કોઈ પણ નાગરિક ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરે એવી તેમની નેમને ધ્યાને લઈને ૨૯૦૫ નવી બસો મુસાફરી માટે મૂકવામાં આવી છે. સૌથી વધુ વોલ્વો બસોની સાથે સાથે ૨૭ નવા બસ સ્ટેશનો દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધામાં ઉમેરો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૩ નવા વર્ક સ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે અને ૩૫ નવી પરિયોજનાના ખાતમુર્હુત કરવામાં આવ્યા છે. જેમાં ૨૦ બસ સ્ટેશન અને ૧૫ ડેપોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રોજના ૨૨ લાખ મુસાફરોથી આપણે ૨૫ મુસાફરો સુધી પહોચ્યા છે અને વર્ષ- ૨૦૨૭ પહેલા  ગુજરાતના ૩૦ લાખ મુસાફરો એસ.ટીની મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા શરૂ કરવાની તૈયારીઓ એસ.ટી નિગમ કરી રહ્યું છે. 

વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણાએ એસ.ટી.પરિવારમાં સામેલ થવા જ‌ઈ રહેલા નવા કંડક્ટર મિત્રોને આવકારીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. એસ.ટી. નિગમના એમ.ડી  શ્રી એમ.નાગરાજને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ સૌનો આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રી મીરાંબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી રીટાબેન પટેલ, અલ્પેશભાઇ ઠાકોર, જયંતીભાઈ પટેલ, બલરાજસિંહ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષ દવે, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ શ્રી શાહમિના હુસેન, પાણી પુરવઠા વિભાગ અને એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ, એસ.ટી.કર્મચારી મહામંડળ સંઘ, એસ.ટી.મજૂર મહામંડળ સંઘ, એસ.ટી. વર્કશોપ મહામંડળ સંઘના હોદ્દેદારો, નિમણૂક પામનાર અધિકારીઓ-કર્મચારીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.