PNG: વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની (PNG) સંખ્યા ઝડપથી વધી રહી છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ગુજરાતમાં PNG કનેક્શનમાં પોણા બે લાખનો વધારો થયો છે. જુલાઇ 31, 2023 સુધીમાં, ગુજરાતમાં ડોમેસ્ટિક PNG કનેક્શનની સંખ્યા 3,078,162 હતી જે 29 ફેબ્રુઆરી 2024માં 3,253,175 સુધી પહોંચી ગઇ છે. આ સાત મહિનામાં 5.6%ના વધારા સાથે કુલ 175,013 કનેક્શનનો વધારો થયો છે, જે ઘરગથ્થુ વપરાશમાં એક નોંધપાત્ર પ્રગતિ છે. વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે. ગુજરાતમાં અત્યારે 23,445 વ્યવસાયિક તેમજ 5786 ઔદ્યોગિક PNG કનેક્શન છે. આ સંખ્યા બાકીના રાજ્યો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

ઔદ્યોગિક PNG કનેક્શન (ટોપ પાંચ રાજ્ય)

ગુજરાત: 5,786

 ઉત્તરપ્રદેશ: 3,270

હરિયાણા: 2,259

રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (યુ.ટી): 1,910

રાજસ્થાન: 1,691

વ્યવસાયિક PNG કનેક્શન (ટોપ પાંચ રાજ્ય)

 ગુજરાત: 23,445

મહારાષ્ટ્ર: 4,817

રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (યુ.ટી): 3,965

ઉત્તરપ્રદેશ: 2,644 આસામ: 1,391

આ ઉપલબ્ધિ અંગે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, “આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારે તેમણે ગુજરાતના વિકાસ માટે અનેકવિદ પ્રયાસો શરૂ કર્યા હતા. તેમાં ખાસ કરીને ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ તેમણે સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કર્યું અને સાથે ગુજરાતને સોલાર પોલિસીની ભેટ આપી. આ તમામ પ્રયત્નો પર્યાવરણની રક્ષા કરવા માટેના હતા. આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પ્રયાસોને આગળ વધારી રહ્યા છે. ખાસ એક વાતની નોંધ આપણે લેવી જોઇએ કે છેલ્લા સાત મહિનામાં ગુજરાતના ઘરોમાં PNG કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે.