Gujarat Rain Update: રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 47.77 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છમાં સરેરાશ 57.93 ટકા વરસાદ પડ્યો છે તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 52.18 ટકા વરસાદ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 42.08 ટકા વરસાદ નોંધાયો છે.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો-છવાયા વરસાદ પડવાની સંભાવના છે.. જુલાઈ 12 બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. તો વરસાદી સિસ્ટમ નબળી પડતાં આગામી 2 દિવસ વરસાદનું જોર ઘટશે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 10 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે.જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે.