Gujarat :20 જૂન બાદ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની આગાહી છે. ત્યારે આ પહેલા પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવા માટે તમામ સ્થાને પ્રશાસન સક્રિય બન્યા છે. નડિયાદ શહેરમાં વરસાદી કાંસની સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એન્જીનિયરોની ઉપસ્થિતિમાં પૂર્વ અને પશ્ચિમની વરસાદી કાંસની સફાઈ ચાલી રહી છે. ત્યારે દસેક દિવસમાં શહેરની 40 ટકા વરસાદી લાઈન સ્વચ્છ કરાઈ છે. તેમજ હાલ પણ પૂર ઝડપે આ કામગીરી ચાલી રહી છે.
મે મહિનાના અંતથી જૂન મહિનાના શરૂઆતી સપ્તાહમાં કમોસમી વરસાદના એંધાણ હતા. જો કે, વરસાદ કેરળ થઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો હોવા છતાં ગુજરાતમાં હજુ સુધી પહોંચ્યો નથી. જેથી ગુજરાતમાં ચોમાસુ વહેલુ આવવાની શક્યતાઓ ઘટી ગઈ છે અને હવે 20 જૂન પછી સત્તાવાર રીતે ચોમાસાના આગમનની આગાહી છે. ત્યારે નડિયાદમાં મહાનગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સફાઈનો વાર્ષિક કોન્ટ્રાક્ટ એસ.એન. વાણિયા એજન્સીને અપાયો છે.

એજન્સી દ્વારા દસેક દિવસથી કામગીરી શરૂ કરાઈ છે. જેમાં ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ તરફની કાંસની સફાઈ કરાઈ છે. તો આ તરફ શહેરના મધ્યમાં બસ સ્ટેન્ડથી સરદાર પ્રતિમા સુધીના બોક્સ ખોલી સફાઈ કરાઈ છે. તો પારસ સર્કલથી બસ સ્ટેન્ડ જતી કાંસની પણ સફાઈ કરાઈ છે. આ સાથે જ પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ પર અને પવનચક્કી રોડ પર પસાર થતી વરસાદી લાઈનની કામગીરી પણ હાલ ચાલી રહી છે.
શહેરના મુખ્ય વિસ્તારમાંથી જે લાઈન પસાર થઈ ખાડમાંથી માહિતી ભવનથી કમળા તરફ જાય છે, તે લાઈનમાં જ્યાં વર્ષોથી ગેરકાયદેસર દબાણો હતા, તે દબાણો પણ દૂર કરવાની કામગીરી મનપાએ પૂર્ણ કરી છે અને તે તમામ સ્થાને બોક્સ ખોલી સફાઈ કરવામાં આવી રહી છે. હાલ મનપાએ દસેક દિવસમાં 40 ટકા ઉપરાંત કામગીરી પૂર્ણ કરી છે. ત્યારે હવે આગામી દિવસોમાં તમામ કાંસોની સફાઈ કરી નાખવામાં આવશે. તેમજ ચોમાસા દરમિયાન પણ જ્યાં બ્લોકેજ થયેલુ જણાશે, ત્યાં તુરંત સફાઈ કરવામાં આવશે, તેમ મનપા સૂત્રોએ જણાવ્યુ છે.
લેવલિંગના અભાવે પાણીના પ્રવાહ પર અસર થઈ શકે
તો આ વરસાદી કાંસની લાઈન વર્ષો જૂની છે, જ્યાં ગેરકાયદેસર બાંધકામો અને ધોવાણના કારણે અનેક સ્થાનોએ લેવલીંગ રહ્યું નથી. જેના કારણે પાણીનો પ્રવાહ શહેરમાંથી બહાર નીકળવામાં સમય લાગી શકે તેવી શક્યતાઓ છે. જો કે, અંદર ગંદકી ન રહેતા શહેરમાં અગાઉ જે કલાકો સુધી પાણી ભરાઈ રહેતુ હતુ, તે મિનિટોમાં ખાલી થઈ જાય તેવી શક્યતાઓ છે.
આઈટમ રેટ મુજબ નાણાં ચુકવાશે
સૂત્રોના જણાવ્યા મુજબ નડિયાદ મનપા દ્વારા આ વરસાદી લાઈનની સફાઈનો કોન્ટ્રાક્ટ એસ. એન. વાણીયાની એજન્સીને અપાયો છે. જેમાં આઈટમ રેટ મુજબ નાણાંની ચુકવણી કરવામાં આવશે. જેમાં લેબર, ટ્રેક્ટર, અન્ય મશીનરી અને કાંસની સફાઈની કામગીરી સાથે સંકળાયેલી આઈટમના બિલો મુજબ નાણાંની ચુકવણી કરાશે.
આ પણ વાંચો..
- Ahmedabad ના બિલ્ડરની હત્યા, મર્સિડીઝમાં મળી લાશ, પોલીસે રાજસ્થાનથી ત્રણની ધરપકડ કરી
- Punjabના 2300 ગામોમાં આજથી સફાઈ મહા અભિયાન શરૂ, દરેક જગ્યાએ એકસાથે JCB દોડશે
- Ahmedabad: ટેટૂએ ઉકેલ્યો ભેદ, ૧૫ વર્ષ પછી ખોવાયેલા વ્યક્તિનું પરિવાર, બાળપણના મિત્ર સાથે પુનઃમિલન
- Gujarat: નમો લક્ષ્મી યોજના હેઠળ ધો-9થી 12માં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને કુલ ₹50,000ની સહાય
- Aslaliમાં પતિ બન્યો હેવાન, પત્નીની કરી હત્યા પાછી આત્મહત્યા તરીકે રજૂ કરવા ઘડ્યું કાવતરું