Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ – રસ્તાઓના ઝડપી સમારકામ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા બાદ રાજ્યભરમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગ્રામીણ અને શહેરી રોડ તેમજ સ્ટેટ હાઇવે તથા નેશનલ હાઇવેનું સમારકામ પણ ઝડપભેર થઈ રહ્યું છે.
રાજ્યના અન્ય શહેરોની જેમ સુરત શહેરમાં પણ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રોડ રસ્તાઓમાં જ્યાં વરસાદી પાણીથી નુકસાન થયું છે તે દરેક જગ્યાએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા રોડ મેન્ટેનન્સ અને રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે.
પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી એ. એસ. બિસ્તના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રોડ- રસ્તાઓ પરના
૪૭૭ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. લગભગ ૭,૬૧૫ સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરીને આ ખાડાઓ દૂર કરવામાં આવ્યા છે. મેટ્રો રૂટ અંતર્ગત આવતા જમીની માર્ગો પરથી ખાડા દૂર કરવાનું ૯૪% જેટલું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેટ્રો રૂટને સમાંતર અઢી કિલોમીટર જેટલા રસ્તા પર રોડને રિસર્ફેસ કરવામાં આવ્યા છે. હોટ મિક્સ અને પેવર ફિનિશરના ઉપયોગથી આ રસ્તાનું રિસર્ફેસિંગ કરાયું છે.
તેમણે ઉમેર્યું કે મેટ્રો રૂટને સમાંતર માર્ગો પર દિવસે વાહનોનો ટ્રાફિક હોવાને કારણે રસ્તાનું સમારકામ માત્ર રાતે કરવામાં આવે છે. બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા માર્ગોનું ઝડપી સમારકામ અને રિસર્ફેસિંગની કામગીરીથી સુરત શહેરના માર્ગો વધુ સલામત અને સુગમ બન્યા છે. વરસાદ દરમિયાન વાહન વ્યવહાર પણ સરળ બની રહેશે.
મેટ્રો પ્રોજેક્ટના નિર્માણકાર્ય દરમિયાન માર્ગો પર થયેલા ઘસારા કે નુકસાનને પહોંચી વળવા માટે GMRC રોડ રિપેરિંગની પ્રક્રિયા સતત કરે છે, આ ઉપરાંત વરસાદી પાણીને કારણે થયેલા ખાડા દૂર કરવાનું અને ધોવાઈ ગયેલા રોડ રસ્તાને રિપેર કરવાનું કામ પણ GMRC યુદ્ધના ધોરણે કરી રહ્યું છે.
GMRCની આ પ્રતિબદ્ધતા સુરતને વધુ આધુનિક અને લીવેબલ શહેર બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.