Gujarat ની એક કોર્ટમાં આજે પોલીસ કર્મચારીને સજા પડી છે. સરકારી જગ્યામાં સીલબંધ કરીને ગુનાના કામે જપ્ત કરાયેલા વિદેશી દારૂ ચોરી કરી અને બુટલેગરોને વેચી નાખવાના પ્રકરણમાં વસો કોર્ટે આરોપી પોલીસ કર્મીને 2 વર્ષની સજા ફટકારી છે.
Gujarat ના ખેડા જિલ્લાના વસોમાં પોલીસ ક્વાર્ટ્સમાં રહેતા પોલીસ કર્મચારીએ વિદેશી દારૂનો સીલ બંધ મુદ્દામાલ ચોરી કરી બુટલેગરને વેચ્યો હતો, જે કેસ ચાલી ગયા બાદ વસો કોર્ટે આ મામલે પોલીસ કર્મચારીને દોષી ઠેરવી 2 વર્ષની સજા ફટકારી છે.
મળતી માહિતી મુજબ વસો પોલીસ મથકમાં શબ્બીરખાન પઠાણ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. તેમજ પોલીસ ક્વાર્ટર્સમાં 13 નંબરની રૂમમાં રહેતા હતા. અહીંયા 15 નંબરની રૂમમાં એક પ્રોહીબીશનના કેસનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી અને સીલબંધ કરી લોક કરીને મૂક્યો હતો. જે મુદ્દામાલ 26 ઓક્ટોબર, 2020ના દિવસે આ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ ગેરકાયદેસર રીતે હેક્સો બ્લેડ વડે નકુચો કાપી અને દારૂની પેટીઓ સમાયાંતરે કુલ 4135 બોટલો જેની કિંમત 16.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ કાઢી લીધો હતો.
આ મુદ્દામાલ તેણે નાસતા ફરતા આરોપીને વેચી દેતા હતા. આ મામલે શબ્બીરખાન પઠાણ અને અન્ય 7 સામે મુદ્દામાલ ગેરકાયદેસર રીતે કાઢી લેવા અંગેનો ગુનો દાખલ થયો હતો. જે મામલો વસોની કોર્ટમાં ચાલી ગયો અને આ મામલે સરકારી વકીલ જે. એન. વાળંદની દલિલોને ગ્રાહ્ય રાખી કોર્ટે પોલીસ કર્મચારી શબ્બીરખાન પઠાણને દોષિત ઠેરવ્યો છે અને 2 વર્ષની સજા ફટકારી છે અને 1 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. જ્યારે અન્ય 7 આરોપીઓને નિર્દોષ છોડ્યા છે.