Gujarat Policeનાં સાયબર સેલ દ્વારા હેલ્પલાઇન નં.૧૯૩૦ના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ થકી રાજ્યના નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખવા બદલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી Amit Shahના હસ્તે દિલ્હી ખાતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયને એવોર્ડથી વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. જાગૃત નાગરિકોના સહકારથી અને ગુજરાત પોલીસની ત્વરિત કામગીરીના પરિણામે ગુજરાતને આ ગૌરવ મળ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ સાયબર સેલ દ્વારા લેવામાં આવેલા રેપિડ એક્શન અને ફ્રોડમાં ગયેલા નાણાની રિકવરી તથા ફ્રોડની રકમ જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તે એકાઉન્ટ ત્વરિત ફ્રિઝ કરવાની કામગીરી પ્રશંસનિય રહી છે. જેને પરિણામે ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનનાર નાગરિકોને પોતાના ફ્રોડમાં ગયેલા રૂપિયા પરત અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળે છે.
સ્ટેટ સાયબર સેલના એસ.પી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યુ છે કે, રાજ્યમાં તા.૧લી જાન્યુઆરી-૨૦૨૪થી તા.૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં સાયબર ગુનાઓ સંબંધિત કુલ ૯૩,૦૬૬ ફરિયાદો દાખલ થઇ છે તેની સામે ગુજરાત પોલીસના સાયબર સેલ દ્વારા ત્વરિત એક્શન લઇને છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ.૨૦૮.૭૯ કરોડથી વધુ રકમ ફ્રીઝ કરી દેવામાં સફળતા મળી છે. તે પૈકી સાયબર છેતરપીંડીનો ભોગ બનેલા નાગરિકોનાં અંદાજે રૂ.૮૦.૦૧ કરોડથી વધુ રૂપિયા પરત કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય રકમ પરત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
સાયબર ફ્રોડ થયાના પાંચ કલાકની અંદર જ એટલે કે ગોલ્ડન અવર્સમાં જો ભોગ બનનાર નાગરિક દ્વારા હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી દેવામાં આવ્યો હોય તો તેવા લાઇવ કિસ્સાઓમાં છેતરપિંડીમાં ગયેલી રકમની રિકવરી સૌથી વધુ થઇ છે. આ પ્રકારના લાઇવ કેસમાં ત્વરિત એક્શન લઇ રૂ.૨૩.૦૩ કરોડથી વધુ રકમ ફ્રિઝ કરી રૂ.૩.૭૧ કરોડથી વધુ રકમ પીડિતોને પરત અપાવવામાં સફળતા મળી છે. ગુજરાત પોલીસની આ રેપિડ એક્શન સહિત હેલ્પલાઇન નં.૧૯૩૦ના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ માટે સન્માન મળ્યુ છે.
સાયબર ગુનાઓથી ગુજરાતને હજુ વધુ સુરક્ષિત કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા નવિન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હેલ્પલાઇન નં.1930ની કામગીરીમાં અપગ્રેડેશન માટે ડેડીકેટેડ વધુ ૯૦ કોલર્સનો સ્ટાફ ભરતી કરવામાં આવશે. જે ફરિયાદોની નોંધણી અને નાણાકીય સંસ્થાઓ સાથે વિશેષ સંકલન કરી નાગરિકોના છેતરપિંડીના નાણાં બચાવવા મદદરૂપ થશે. તે ઉપરાંત સાયબર ગુનાઓ માટે એક અલગથી ચેટબોટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી પીડિતોને કોલ કનેક્શન માટે રાહ જોવી નહિ પડે અને કોઈપણ સમયે બોટ સાથે વાત કરી પોતાની ફરિયાદ આપી શકશે.
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સાયબર હેલ્પલાઈન 1930 માટે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત પોલીસને એવોર્ડ મળ્યો તે બદલ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને જવાનોને અભિનંદન પાઠવ્યા છે.