ગાંધીનગર: રાજ્ય પોલીસની ગુજરાત પોલીસ-સોશિયલ મીડિયા મોનિટરિંગ, એવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ (જીપી-એસએમએએસએચ) પહેલે એક વધુ નાગરિકની સમસ્યાનું ઘરે બેઠાં નિવારણ કર્યું છે. કેનેડામાં રહેતા આયુષે લગ્નના કપડાં બુક કરાવવા માટે વડોદરાના એક વેપારીને અગાઉથી રકમ જમા કરાવી હતી. પરંતુ બાદમાં બુકિંગ રદ કરવું પડ્યું, અને વેપારીએ 65,000 રૂપિયા પરત કરવાનો ઇનકાર કર્યો. નિરાશ થયેલા આયુષે 28 ઓગસ્ટના રોજ સવારે ગુજરાત પોલીસના એક્સ હેન્ડલ પર આખી ઘટના શેર કરી. (Gujarat Police News)

પોલીસની તત્પરતાથી વેપારીએ પૈસા પરત કર્યા:

જીપી-એસએમએએસએચ સ્ટેટ ટીમના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રાહુલસિંહ ચુડાસમાએ વડોદરા પોલીસને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા. કેનેડા અને ભારતના સમય વિસ્તારમાં 9 કલાક અને 30 મિનિટના અંતર હોવા છતાં, વડોદરા પોલીસે મોડી રાત્રે આયુષનો સંપર્ક કરીને સંપૂર્ણ માહિતી એકત્ર કરી. ત્યારબાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશને વેપારી સુધી પહોંચીને તપાસ શરૂ કરી. પોલીસની તત્પરતા જોતાં વેપારીએ વિલંબ કર્યા વિના આયુષને 65,000 રૂપિયા પરત કરી દીધા. આયુષે ગુજરાત પોલીસ અને જીપી-એસએમએએસએચ ટીમની તત્પરતાની પ્રશંસા કરી. રાજ્યમાં 1 માર્ચથી અમલમાં આવેલી આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં 650થી વધુ ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જેમાંથી મોટાભાગની ફરિયાદોનું નિવારણ થોડા કલાકોમાં જ કરવામાં આવ્યું હોવાનો પોલીસે દાવો કર્યો છે. (Gujarat Police News)