Gujarat News: રાજ્યમાં હાલ ચોમાસાની ઋતુને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને ફરીથી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવા માટે રાજ્ય સરકારે સક્રિય અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગને આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓને જલ્દીથી પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી માર્ગદર્શિકા આપીને શક્ય તેટલી વહેલી તકે તમામ કામ પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી છે. આ અંતર્ગત, હાલમાં સમગ્ર રાજ્યમાં આ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

૧૦ હજારથી વધુ લોકોએ નોંધણી કરાવી

અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી ૧૦ હજારથી વધુ નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગ હેઠળ કાર્યરત ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર નોંધણી કરાવી છે. આ એપ્લિકેશન દ્વારા નાગરિકો દ્વારા કુલ ૩૬૩૨ ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી ૩૬૨૦ ફરિયાદોનો હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે, જેનું ૯૯.૬૬ ટકા પરિણામ છે. તે જ સમયે, બાકીની ૭ ફરિયાદો પર કામ ચાલી રહ્યું છે.

જનતા પોતાની સમસ્યાઓ જણાવી રહી છે

માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિવારણ માટે, વિભાગ દ્વારા ‘ગુજ માર્ગ’ એપ્લિકેશન લાગુ કરવામાં આવી છે. જેના પર નાગરિકોને તેમના વિસ્તારની સમસ્યાઓની જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

‘ગુજ માર્ગ’ એપ્લિકેશન મુખ્યત્વે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓની સ્થિતિ સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે વિકસાવવામાં આવેલી એપ્લિકેશન છે. આ એપ્લિકેશન દ્વારા, નાગરિકો રસ્તાઓ પરના ખાડા અને ક્ષતિગ્રસ્ત પુલો જેવી સમસ્યાઓ વિશે સંબંધિત અધિકારીઓને જાણ કરી શકે છે, જેથી આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય.

ગુજ માર્ગ એપ્લિકેશનનો હેતુ શું છે?

‘ગુજ માર્ગ’ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના નાગરિકોને રસ્તાઓ, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધી માર્ગ અને મકાન વિભાગને પહોંચાડવા માટે એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જેમાં નાગરિકો તેમના વિસ્તારમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ, ખાડા, પુલોને નુકસાન અથવા અન્ય માળખાગત સમસ્યાઓ વિશે ફરિયાદો નોંધાવી શકે છે.

આ એપ્લિકેશનમાં ફરિયાદ સાથે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાની સુવિધા પણ છે, જેના આધારે સંબંધિત અધિકારીઓ ફરિયાદો પર શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરે છે. આ ઉપરાંત, નાગરિકો આ એપ્લિકેશન દ્વારા નોંધાયેલી ફરિયાદની સ્થિતિ જાણી શકે છે. માર્ગ અને મકાન વિભાગના પ્રકાશન અનુસાર, આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાય છે.