Gujarat: આણંદ જિલ્લામાં મહિસાગર નદી પર ગંભીરા પુલ પર લટકેલા 12 ટનના કેમિકલ ટેન્કરને દૂર કરવાની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં છે. આ સમગ્ર પ્રક્રિયા શનિવાર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ ખતરનાક પરિસ્થિતિનો સામનો કરવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ટેન્કરને પુલના સ્તર પર લાવવા માટે એર લિફ્ટિંગ રોલર બેગ અને સ્ટ્રેન જેક જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેન્કરની નીચે રોલર બેગ ફીટ કરવામાં આવી છે, જેથી તેને ધીમે ધીમે પુલના સ્તર સુધી ઉંચકવામાં આવશે, અને પછી 900 મીટર લાંબા કેબલ દ્વારા પુલની ધાર પર ખેંચવામાં આવશે.

લગભગ 50 નિષ્ણાતો અને ટેકનિકલ સ્ટાફની ટીમ આ કામગીરીમાં સતત રોકાયેલી છે. સુરક્ષા અને પારદર્શિતા હેઠળ, સમગ્ર પ્રક્રિયાનું ચાર ડ્રોન કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. કામગીરી દરમિયાન કોઈપણ વ્યક્તિને પુલ પર હાજર રહેવા દેવામાં આવશે નહીં, જેથી કોઈપણ પ્રકારની અકસ્માત થવાની શક્યતા ન રહે. ખાસ વાત એ છે કે આ સમગ્ર અભિયાનમાં વિદેશી એન્જિનિયરોની કોઈ મદદ લેવામાં આવી નથી, બધું કામ સ્વદેશી ટેકનોલોજી અને ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગંભીરા પુલ તૂટી પડ્યાના લગભગ 28 દિવસ પછી પણ, રસાયણોથી ભરેલું ટેન્કર હજુ પણ ભયાનક સ્થિતિમાં લટકી રહ્યું છે. ટેન્કર પુલ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે તૂટી પડ્યું અને લટકતી સ્થિતિમાં ફસાઈ ગયું જેના કારણે બચાવ કાર્ય મુશ્કેલ બન્યું.અત્યાર સુધી બચાવ પ્રયાસો ટેન્કરને તેની હાલની સ્થિતિમાંથી ઉપાડવામાં સફળ રહ્યા નથી. હવે અધિકારીઓ ટેન્કરને હવામાં ઉપાડવા માટે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો વિચાર શોધી રહ્યા છે, એવું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈના રોજ પાદરા નજીક ગંભીરા નદી પરનો પુલ તૂટી પડ્યો ત્યારે ભયાનક અકસ્માત થયો હતો. પુલનો એક ભાગ તૂટી પડવાથી સર્જાયેલા વિશાળ ગાબડામાંથી એક પછી એક સાત વાહનો નદીમાં ખાબકતા આ અકસ્માતમાં 20 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો