Gujarat : ઉમરગામ રેલવે ઓવરબ્રિજ (ROB)ના સાંકડા સર્વિસ રોડને લઈને વિવાદ વધી રહ્યો છે. ઉમરગામ રેલવે સ્ટેશનની પશ્ચિમ બાજુએ આવેલા સાંકડા રોડથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

આ સમસ્યાને કારણે આજે ગુજરાત અને મહારાષ્ટ્રની બસોનું સંચાલન પણ બંધ થયું છે. ઉમરગામ રેલવે સ્ટેશનની પશ્ચિમ બાજુએ આવેલી મોટી જીઆઇડીસીમાં હજારો લોકો કામ કરે છે, અને આ લોકો રોજ ટ્રેન દ્વારા આવ-જા કરે છે. પરંતુ રેલવે ઓવરબ્રિજનો સર્વિસ રોડ ખૂબ જ સાંકડો હોવાથી અહીં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડનું નિર્માણ યોગ્ય રીતે થયું નથી. વિવાદનું એક મુખ્ય કારણ એ છે કે ફાટકની પૂર્વ બાજુએ 15 મીટરનું માર્જિન રાખવામાં આવ્યું છે, જ્યારે પશ્ચિમ બાજુએ માત્ર 13 મીટરનું માર્જિન રાખવામાં આવ્યું છે. સ્થાનિકોનો સવાલ છે કે જ્યારે એક બાજુ 15 મીટરનું માર્જિન શક્ય છે, તો બીજી બાજુ પણ 15 મીટરનું માર્જિન કેમ ન રાખવામાં આવ્યું?

આનાથી ટ્રાફિકની સમસ્યા ઘણી હદે ઘટી શકી હોત. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો લગતા વળગતા લોકોને મિલકતનું વળતર આપી દેવાયું છે, તો પછી દબાણો દૂર કેમ નથી થતાં? જો રોડને 15 મીટર પહોળો કરી દેવાય, મોટા ભાગની સમસ્યાઓ આપોઆપ હલ થઈ જાય.ઉમરગામ રેલવે સ્ટેશન અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) યોજના હેઠળ આધુનિક બનવાનું છે.

આવી સ્થિતિમાં, સર્વિસ રોડની આ સમસ્યા લોકો માટે આશ્ચર્યજનક છે. સ્થાનિકોની માગ છે કે સરકાર તાત્કાલિક આ રોડને પહોળો કરે અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવે. સ્થાનિકોનો રોષ અને બસ સેવાઓનું બંધ થવું આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે. આગામી દિવસોમાં આ મામલે શું પગલાં લેવાય છે, તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો..