Gujarat: ગુજરાત સહીત ભારતભરમાં દર વર્ષે તા. ૦૫ એપ્રિલે ઉજવાતો નેશનલ મેરીટાઈમ દિવસ ભારતના સમુદ્રી ક્ષેત્રમાં ટકાઉ વિકાસ, નવીનતા અને આર્થિક પ્રગતિમાં યુવા પેઢીની મહત્વની ભૂમિકા પર વિશેષ ભાર મૂકે છે. આ દિવસ ભારતના દરિયાઈ સમુદાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વર્ષ ૧૯૧૯માં ‘ધ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડ’ દ્વારા સંચાલિત એસ.એસ લોયલ્ટી ભારતનું પ્રથમ જહાજ બન્યું હતું, જેણે મુંબઈથી લંડન સુધીની ઐતિહાસિક યાત્રા કરીને દરિયાઈ વેપારમાં બ્રિટિશ પ્રભુત્વને નાબૂદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ દરિયાઈ ક્ષેત્રમાં ભારતે આત્મનિર્ભરતાનો મજબૂત પાયો નાખ્યો હતો.

        સમગ્ર દેશમાં નેશનલ મેરીટાઈમ દિવસ ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા ગત તા. ૨૫ માર્ચથી આગામી તા. ૪ એપ્રિલ દરમિયાન મુંબઈ ખાતે “નેશનલ મેરીટાઈમ ગેમ્સ-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ક્રિકેટ, ફુટસલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, ગોલ્ફ, મેરેથોન દોડ, સાઇકલિંગ, બેડમિન્ટન, ચેસ, ઇન્ડોર રોઇંગ, ડાર્ટ્સ અને કેરમ જેવી વિવિધ રમત-ગમત સ્પર્ધાઓ યોજાઈ રહી છે. આ સ્પર્ધાઓ મેરિટાઈમ વ્યાવસાયિકો વચ્ચે ખેલભાવના અને એકતા વિકસાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડ એ ભારતના મેરીટાઈમ ક્ષેત્રની અગ્રણી સંસ્થા છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડનો સ્થાપના દિવસ ૦૫ એપ્રિલ, ૧૯૮૨ ઉજવવામાં આવે છે, જે ભારતનું પ્રથમ અને અગ્રણી મેરિટાઈમ બોર્ડ છે. છેલ્લા ૪૪ વર્ષમાં, ગુજરાત મેરિટાઈમ બોર્ડે ગુજરાતના નોન મેજર બંદરોના વિકાસ, પ્રશાસન, સંચાલન અને નિયમનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જે ભારતના કુલ રાષ્ટ્રીય માલવાહનનો આશરે ૩૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. દેશના દરિયાઈ ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા તરીકે ગુજરાત મેરીટાઈમ બોર્ડ બંદરોના માળખાકીય વિકાસ અને તેના સંચાલનને વધુ ઊંચાઈએ લઇ જવા માટે પ્રતિબદ્ધ છે.

    ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રાજ્યમાં પોર્ટ સિટીની સ્થાપના દ્વારા મહાત્વકાંક્ષી પ્રોજેક્ટના નિર્માણની નેમ મૂકી છે. આર્થિક વૃદ્ધિ, રહેણાંક, જીવનશૈલી, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને મનોરંજનની તકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે પોર્ટ સિટીની રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી. જે વાર્ષિક ૨૫૦ થી ૫૦૦ MMTPA (મિલિયન મેટ્રિક ટન પર એનમ)ની ક્ષમતા ધરાવતા મલ્ટિ-કાર્ગો હેન્ડલિંગ પોર્ટ સાથે અંદાજીત ૫૦૦ ચોરસ કિ.મીમાં ફેલાયેલો વિશાળ વિસ્તાર હશે. 

          આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠે ૧૦ ગ્રીનફિલ્ડ બંદરોને પીપીપી ધોરણે  વિકસાવવામાં આવશે, જે ખાનગી કંપનીઓને વિકાસ અને કામગીરી માટે ઓફર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંચાલિત બંદરોના અપગ્રેડેશનની દિશામાં પણ અનેકવિધ નવતર પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ પર્યાવરણ સંરક્ષણના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના મર્યાદામાં રહીને બંદરો અને તેને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ તેમજ દરિયાકાંઠાના વિસ્તારનો વિકાસ પર્યાવરણીય રીતે ટકાઉ થાય તે સુનિશ્ચિત કરીને કાર્ય કરે છે.

       ગુજરાત મેરિટાઈમ બોર્ડના ૪૪માં સ્થાપના દિન એટલે કે. તા. ૫ એપ્રિલના રોજ વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં તમામ બંદરોની કચેરીઓ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડની મુખ્ય કચેરીઓ ખાતે ધ્વજવંદન સમારોહ યોજવામાં આવશે. સાથે જ, ટીમ બિલ્ડિંગ ઇવેન્ટ્સ અને ચેસ-કેરમ જેવી ઇન્ડોર ગેમ્સનું પણ આયોજન કરવામાં આવશે. છેલ્લા એક મહિના દરમિયાન યોજાયેલી સ્પર્ધાઓના વિજેતાઓનું આ વિશેષ દિવસે સન્માન કરવામાં આવશે. 

       ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય દરિયાઈ દિવસ એ ભારતની દરિયાઈ સ્થિતિ સ્થાપકતા, વૈશ્વિક વેપાર નેતૃત્વ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.  દેશમાં તા. ૫ એપ્રિલે નેશનલ મેરીટાઈમ દિવસની ઉજવણીઓ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના સ્થાપના દિવસના પ્રસંગે આયોજિત કાર્યક્રમો, ભારતની અર્થવ્યવસ્થા તેમજ વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રમાં તેના મહત્ત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કરે છે. ભારતના દરિયાઈ વ્યાવસાયિકોની અવિરત મહેનત અને ગુજરાત મેરિટાઈમ બોર્ડની વ્યૂહાત્મક પહેલોના કારણે, દેશ સમૃદ્ધ દરિયો અને ટકાઉ વિકાસના માર્ગે આગળ વધવા માટે સંકલ્પબદ્ધ છે.