Gujaratમાં સાત દિવસમાં પાંચમી વખત કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે નડિયાદ જિલ્લાના મહુધામાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર કોમી નફરત ફેલાવતા મેસેજ પોસ્ટ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે.
આ મામલે ફરિયાદી દિલીપસિંહ ચૌહાણ જણાવે છે કે, અમે પોલીસ સ્ટેશનેથી ઉશ્કેરણીજનક પોસ્ટ અંગે ફરિયાદ નોંધાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે સેંકડો લોકોના ટોળાએ અમને રોક્યા હતા અને વાહન પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને જોતા ખેડા પોલીસે રાત્રે જ અન્ય જિલ્લાઓમાંથી પોલીસ બોલાવી હતી. ફરિયાદી પર હુમલો કરનાર કેટલાક આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારા બે યુવકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
નોંધાયેલી ફરિયાદ મુજબ ગત શનિવારે મહુધા પંથકમાં બે ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવી હતી. આ બાબતે કાથલાલમાં રહેતા દિલીપસિહ ચૌહાણ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. મોડી રાત્રે ફરિયાદ નોંધાવ્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સેંકડો લોકોના ટોળાએ તેમને પોલીસ સ્ટેશન પાસે ઘેરી લીધા હતા. પોલીસે ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ વાહનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે – SP આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં 100 થી વધુ લોકોના ટોળાએ ફરિયાદી પર હુમલો કર્યો હતો જેણે તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ભડકાઉ પોસ્ટ મુકી હતી. આ પછી ટોળાએ અન્ય કાર ચાલકને માર માર્યો અને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો. આ રીતે ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. ત્રણેય કેસમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ ભીડમાં સામેલ શકમંદોની ઓળખ કરી રહી છે. હાલ વાતાવરણ શાંત છે અને જિલ્લા પોલીસને બોલાવવામાં આવી છે.