Gujaratમાં હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ મંગળવારે (25 ફેબ્રુઆરી) કહ્યું કે રાજ્યમાં ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ માટે ચોક્કસ સમુદાય જવાબદાર છે. આ ટિપ્પણીનો વિધાનસભામાં કોંગ્રેસના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિરોધ કર્યો છે.

સમાચાર એજન્સી અનુસાર ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે કોઈનું નામ લીધા વિના વિશ્વકર્માએ કહ્યું કે આવા ગેરકાયદેસર અતિક્રમણ માટે ચોક્કસ સમુદાયના નેતાઓ જવાબદાર છે અને આમ કરીને તેઓ ગુજરાત અને ભારતનું ગૌરવ દાવ પર લગાવી રહ્યા છે.

રાજ્યપાલે બજેટ સત્રના પહેલા દિવસે 19 ફેબ્રુઆરીએ ગૃહને સંબોધિત કર્યું હતું. રાજ્યકક્ષાના સહકાર મંત્રી વિશ્વકર્મા વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર રજૂ કરાયેલા આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા.

‘બુલડોઝર એક્શન’ના જવાબમાં વિશ્વકર્માનું નિવેદન

વિશ્વકર્માએ કોંગ્રેસ વિધાનમંડળ પક્ષ (CLP)ના નેતા અમિત ચાવડાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં આ ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે ભાજપ સરકારની ‘બુલડોઝર કાર્યવાહી’ની ટીકા કરી હતી. ચાવડાએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં સરકારે કાયદેસર રીતે બનેલા ઘણાં મકાનો અને કોલોની તોડી પાડી છે.

તેમણે કહ્યું, ‘ઓઢવ, જુહાપુરા, કેશવપુરા અને અમદાવાદના આણંદ, દ્વારકા અને અંબાજીમાં કાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. બુલડોઝરની આ કાર્યવાહીથી ગરીબ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તમે ઘર આપવાના તમારા વચનને પૂર્ણ કરવાને બદલે ગરીબોના મકાનો તોડી રહ્યા છો.

અમિત ચાવડાના નિવેદન પર જગદીશ વિશ્વકર્માનો પલટવાર

અમિત ચાવડાના નિવેદનનો વિરોધ કરતાં વિશ્વકર્માએ કહ્યું કે જ્યારે હિન્દુઓના મકાનો તોડી પાડવામાં આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ મૌન રહે છે. જે બાદ એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આનો વિરોધ કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના ઉગ્ર વિરોધને ટાંકીને મંત્રીએ કહ્યું, ‘એક ચોક્કસ સમુદાયના નેતાઓ આવા ગેરકાયદેસર અતિક્રમણ માટે જવાબદાર છે અને આમ કરીને તેઓ ગુજરાત અને ભારતનું ગૌરવ દાવ પર લગાવી રહ્યા છે.’