Gujarat: ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા આગામી તા. ૨૨ ડિસેમ્બર-૨૦૨૪ રવિવારના રોજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રિલીમરી પરીક્ષા યોજાનાર છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના કુલ ૭૫૪ પેટા કેન્દ્રો પર રવિવારે સવારે ૧૧ થી બપોરે ૦૧ કલાક દરમિયાન આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાર્થીઓને કેન્દ્રો પર જવા-આવવા યોગ્ય સુવિધા મળી રહે તે માટે ગુજરાત ST દ્વારા વધારાની બસો સંચાલિત કરવામાં આવશે.
રાજ્યભરમાં યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષામાં ઉમેદવારો-પરીક્ષાર્થીઓ સમયસર પોતાના કેન્દ્રો પર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ટ્રાફિકને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-ST દ્વારા વધારાની એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં પરીક્ષાના દિવસે માર્ગમાં આવતા જે તે સ્ટેન્ડ પરથી સામાન્ય મુસાફરોને બસમાં પ્રવેશ આપતી વખતે પરીક્ષાર્થીઓને અગ્રિમતા આપવા નિગમ દ્વારા તમામ ડેપોને ખાસ સૂચના આપવામાં આવી છે.
આ વિશેષ સુવિધાના પરિણામે પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચીને પરીક્ષા આપી શકશે જેનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત ST નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.