Gujarat : નડિયાદ મનપાની ટીમ આજે અચાનક શહેરના ખાડ વિસ્તારમાં ત્રાટકી હતી. જ્યાં રહીશોએ પોતાના મકાનની સામે આવેલી વરસાદી કાંસની લાઈન ઉપર શૌચાલયો અને પતરાંના શેડ મારી કરેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. 40 જેટલા આવા દબાણો દૂર કરી નાખ્યાં હતા. આ પૈકી 15 જેટલા શૌચાલયો તો સરકારી યોજના હેઠળ બનાવાયેલા હતા, જેથી સરકારી યોજનાના જ નાણાંનો વેળફાટ ખુદ મનપા પ્રશાસને કરી નાખ્યો છે.

હાલ ચોમાસા પૂર્વે શહેરમાં વરસાદી કાંસની સફાઈ ચાલી રહી છે. આ કાંસની સફાઈમાં અનેક સ્થાનોએ દબાણો નડતર બની રહ્યા છે. તેવા સંજોગોમાં આજે નડિયાદ મનપા પ્રશાસનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ વિભાગે ખાડ વિસ્તારમાં વરસાદી કાંસની લાઈન પર બનાવાયેલા દબાણો દૂર કર્યા હતા. સોશિયલ ક્લબથી ખાડમાં અંદર પ્રવેશ્યા બાદ 50 મીટર પછી આગળના ભાગેથી શૌચાલયો અને પતરાના શેડ તોડવાનું શરૂ કરાયુ હતુ.
જે બાદ આગળ સીટી જીમખાના ગ્રાઉન્ડને અડીને આવેલી વરસાદી કાંસ ઉપ છેક માહિતી ભવનની સામે સુધી દબાણો દૂર કર્યા હતા. અંદાજે 40 જેટલા આવા કાચા-પાક્કા અને પતરાના શેડ સાથેના શૌચાલયો અને દબાણો તોડી નખાયા હતા. અત્રેના રહીશો દ્વારા પોતાના મકાનની સામે આવેલી વરસાદી કાંસની લાઈન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામો કરાયા હતા. જે મનપા પ્રશાસને તોડી નાખ્યા છે.

સરકારી નાણાંનો જ દૂરવ્યય થયો
જો કે, આ વચ્ચે સૌથી મહત્વની બાબત એ છે કે, આ શૌચાલયોમાં અંદાજે 15 જેટલા તો સરકારી યોજના હેઠળ ગ્રાંટ મંજૂર કર્યા બાદ બનાવાયેલા શૌચાલય હતા. જેથી મહત્વનો પ્રશ્ન એ છે કે, જે-તે સમયે શૌચાલયો મંજૂર કરતા વખતે અને સ્થળ નિરીક્ષણ કરતી વખતે જવાબદાર સરકારી અધિકારીઓ દ્વારા આ કાંસ પર દબાણ થઈ રહ્યુ છે, તે અંગે કોઈ નોંધ કેમ લેવાઈ નથી. તેમજ સરકારી નાણાં ફાળવ્યા બાદ શૌચાલયો બનાવી અને તે તોડી નાખી હવે સરકારી જ ગ્રાંટનો દૂર વ્યય થયો હોવાની ચર્ચાઓ ઉઠી છે.

તત્કાલ નવુ શૌચાલય શરૂ કરાયુ
આ તરફ નડિયાદ મનપા દ્વારા સોશિયલ ક્લબ રોડ પર નવુ જાહેર શૌચાલય બનાવ્યુ છે. તેવા સંજોગોમાં આ શૌચાલય તત્કાલ શરૂ કરવાના નિર્દેશ પણ આપી દેવાયા હતા. જેથી અત્રે રહીશોના નજીકમાં શૌચાલયો તૂટ્યા હોય, તેમને કનડગત ન થાય અને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી આ જાહેર શૌચાલયનો ઉપયોગ કરી શકાય.
આ પણ વાંચો..
- Trump ના દાવાઓનું ફરી એકવાર ખંડન, થાઇલેન્ડ કહે છે, “કોઈ યુદ્ધવિરામ નહીં, કંબોડિયા પર હુમલા ચાલુ રહેશે.”
- Odesa Port પર રશિયન મિસાઇલ હુમલાનો બદલો લેવા માટે યુક્રેને 24 કલાકની અંદર રશિયાના સારાટોવ પર બદલો લેવા માટે ડ્રોન હુમલો કર્યો
- Israeli હુમલાઓ બાદ, ગાઝામાં વરસાદ અને પૂરના કારણે વિનાશ સર્જાયો છે, જેના કારણે ભયાનક પરિસ્થિતિ સર્જાઈ
- Dhurandhar ના તોફાનમાં ઘણા મોટા રેકોર્ડ તૂટી ગયા, 10 વર્ષમાં ઇતિહાસ રચ્યો, પુષ્પા 2 અને જવાન જેવી ફિલ્મો પણ પાછળ રહી ગઈ
- “Rahul ના નેતૃત્વમાં, કોંગ્રેસ ઇતિહાસમાં દફન થઈ જશે, જેમ કે ઔરંગઝેબ…” સુધાંશુ ત્રિવેદી કેમ ગુસ્સે થયા?





