Gujarat: ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે દર વર્ષે તા. ૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ” ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા રાજ્યમાં સુશાસનિક માળખાનો મજબૂત પાયો નાખ્યો હતો. આજે એ જ કાર્યપ્રણાલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે.
ગ્રામીણ વિસ્તારના નાગરિકોને લઘુત્તમ પ્રયત્નોથી સરકારની સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે એ જ સુશાસન છે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં શરૂ કરેલી આઈ-ખેડૂત પોર્ટલની સુદ્રઢ સુશાસનિક વ્યવસ્થા એ સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને સંપૂર્ણ પારદર્શિતા, સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલનો નવતર અભિગમ અપનાવ્યો હતો.
આજે ગુજરાત સરકારની કૃષિ, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યો છે. પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા, આંગળીના ટેરવે જ મળી રહ્યા છે. પોર્ટલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યના ૬૦.૩૩ લાખથી વધુ ખેડૂતો દ્વારા વિવિધ યોજનાકીય લાભો મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ ૧.૪૨ કરોડથી વધુ અરજીઓ કરવામાં આવી છે.
આટલું જ નહીં, આ ૬૦.૩૩ લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ કુલ રૂ. ૩૯૪૮ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે, એ પણ સીધી તેમના બેંક ખાતામાં. માત્ર વર્ષ ૨૦૨૩-૨૪માં જ આશરે ૨.૧૫ લાખ ખેડૂતોને વિવિધ યોજના હેઠળ કુલ રૂ. ૬૪૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આટલી માતબર સંખ્યામાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજીઓ જ આઈ-ખેડૂત પોર્ટલની સ્વીકૃતિ પૂરવાર કરે છે.
અટલ બિહારી વાજપેયીએ આપેલી સુશાસનની પ્રેરણાથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “Less Government, More Governance”ને મૂળ કાર્યમંત્ર બનાવી, ગુજરાતને દેશમાં વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકારે સુશાસનને તેની કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ જેવી અનેક સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે.
આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતોને થતા લાભ
– ખેડૂત પારદર્શક રીતે પોતાની મરજી મુજબ સરકારી યોજનાઓનો સીધો લાભ મેળવી શકે છે.
– ઓનલાઇન અરજી થતી હોવાથી ખેડૂત કોઈપણ અન્ય માધ્યમો ઉપર આધારીત રહેતો નથી.
– કોઇપણ સ્થળેથી ઇન્ટરનેટના માધ્યમથી સેવા મળતી હોવાથી સમય અને નાણાનો બચાવ થાય છે.
– ખેડૂત પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ જાણી શકે છે.
– સહાય હેઠળ આપવામાં આવતાં વિવિધ ઘટકોનાં માપદંડો નિયત કરેલા હોવાથી છેતરપીંડીનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
આઇ-ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને…..
– ખેતીવાડી માટે જરૂરી બિયારણ, ખાતર તથા દવાઓનું વેચાણ કરતા સરકાર માન્ય વિક્રેતાઓની માહિતી મળે છે.
– ખેત ઓજારો, ખેતી વિષયક ઇનપુટોની માન્ય કંપનીઓ, વિક્રેતાઓની માહિતી મળે છે.
– ખેત ઓજારો તેમજ કૃષિ ઇનપુટોની સરકાર દ્વારા નક્કી થયેલી કિંમત સંબંધિત માહિતી મળે છે.
– કૃષિ ધિરાણ આપનાર સંસ્થાઓની માહિતી મળે છે.
– કૃષિ-બાગાયતી પાકોની તાંત્રિક માહિતી મળે છે.
– પાકોનાં પ્રવર્તમાન બજારભાવ તથા હવામાન અંગેની માહિતી મળે છે.
– ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું સચોટ નિરાકરણ મળે છે.