Gujarat: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આવતીકાલે (26 ઓગસ્ટ) ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટકથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવા ચેતવણી અપાઈ છે.

રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 84 ટકા પાર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ, રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 84 ટકા કરતાં વધુ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં 4 ઈંચ સૌથી વધુ વરસાદ પડ્યો હતો. સુરતના ઉમરપાડામાં 3.90 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઈંચ, તાપીના વ્યારામાં 3.54 ઈંચ તથા વડોદરાના ડભોઈમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધી માત્ર 4 કલાકમાં મહિસાગરના બાલાસીનોર અને સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં 2.13 ઈંચ વરસાદ પડ્યો હતો.

ડેમની હાલત

હાલ સરદાર સરોવર ડેમમાં 2,83,431 MCFT જળસંગ્રહ છે, જે 84 ટકા ભરાવ સાથે નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં મળીને 4,36,135 MCFT પાણી સંગ્રહિત છે, જે કુલ ક્ષમતાના 78.18 ટકા બરાબર છે. રાજ્યમાં 67 ડેમ 100 ટકા કરતાં વધુ, 27 ડેમ 90-100 ટકા ભરાયા છે. કુલ 94 ડેમને હાઈ એલર્ટ, 27 ડેમને એલર્ટ અને 19 ડેમને વોર્નિંગ જાહેર કરાયા છે.

ઝોનવાર વરસાદ

25 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં કુલ સરેરાશ 84 ટકા વરસાદ નોંધાયો હતો. ઝોનવાર આંકડા મુજબ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 87.43 ટકા, દક્ષિણ ગુજરાતમાં 86.41 ટકા, કચ્છ ઝોનમાં 85.08 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 83.51 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં સૌથી ઓછો 79.08 ટકા વરસાદ નોંધાયો છે.

સરકારની તૈયારી

ચોમાસાની સંભવિત આપત્તિ માટે રાજ્ય સરકારે આગોતરા આયોજનરૂપે NDRFની 12 અને SDRFની 20 ટુકડીઓ તહેનાત કરી છે. અત્યાર સુધીમાં 5,191 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 966 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો