Gujarat : ગુજરાતમાંથી ધીમે ધીમે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે નવરાત્રિના પર્વ પહેલા જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કરીને જનજીવન અસરગ્રસ્ત કરી દીધું છે. આજે સવારથી જ વલસાડ, તાપી અને સુરત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ખાસ કરીને નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓ માટે આ વરસાદ ચિંતાનો વિષય બની ગયો છે.
વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના આઠ કલાક દરમિયાન કપરાડા વિસ્તારમાં અઢી ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાપી જિલ્લાના વ્યારા શહેરમાં 1.46 ઇંચ અને વાલોડ વિસ્તારમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ, સુરત શહેરમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસી શહેરને પાણીમાં ઘેરાઈ ગયું હતું. શહેરમાં માત્ર અડધા કલાકમાં જ એક ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને માર્ગ વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો.
આ અણધાર્યા વરસાદે નવરાત્રિના આયોજકો અને ગરબા રમનાર ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ગરબા ગ્રાઉન્ડ, સ્ટેજ, લાઈટિંગ અને ડેકોરેશનને વરસાદથી નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા આયોજકો માટે તો તૈયારીઓ પૂર્ણ કરવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વરસાદી માહોલ યથાવત રહેશે તો કાર્યક્રમો માટે પડકારરૂપ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખેલૈયાઓ પણ વરસાદથી તેમના ગરબા રાસના આયોજન અને હાજરી અંગે ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગે પણ આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, નવરાત્રિના દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સતત વરસાદથી માત્ર કાર્યક્રમોને જ નહીં પરંતુ બાગાયતી પાકને પણ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને શાકભાજી અને ફળફળાદિ પાક માટે વરસાદી માહોલ મુશ્કેલી સર્જી શકે છે, જેના કારણે ખેડૂતો પણ ચિંતિત છે.
સ્થાનિક તંત્ર દ્વારા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જોકે, વરસાદ યથાવત રહે તો માર્ગ અવરોધ, પાણી ભરાવા તેમજ વીજ પુરવઠાની સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેથી નાગરિકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી રહી છે.
નવરાત્રિ દરમિયાન આયોજનને લઈને અનેક સ્થળોએ મેદાન તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે એકત્ર થાય છે. પરંતુ વરસાદથી કાર્યક્રમોના સમયપત્રકમાં ફેરફાર થાય તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. આયોજકો હવે હવામાનની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી હોય ત્યાં વૈકલ્પિક આયોજન માટે વિચારણા શરૂ કરી છે.
આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહે કે વરસાદ યથાવત રહે તે બાબતે સૌની નજર ટકેલી છે. જોકે, હાલ માટે દક્ષિણ ગુજરાતમાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિએ નવરાત્રિના રંગમાં ભંગ પડવાની શક્યતા વધારી છે.
આ પણ વાંચો
- Varun Chakravarthy એ ઇતિહાસ રચ્યો, વિશ્વનો નંબર 1 બોલર બન્યો
- Al-aqsa: અલ-અક્સા નીચે શું ચાલી રહ્યું છે? આ ટનલ શા માટે આંતરરાષ્ટ્રીય વિવાદમાં ફસાઈ છે?
- HC: ગુજરાત હાઈકોર્ટે સિનિયર એડવોકેટ પદ માટે લઘુત્તમ વય કરી નક્કી, 45 નો છે આંકડો
- Madhya Pradesh: જન્મ દિવસ પર પીએમ મોદીનો હુંકાર, કહ્યું..” સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું”
- Amreli: યુવતી પર છરીથી હુમલો, કાયદો વ્યવસ્થા અંગે ગંભીર સવાલો