Gujarat: ગુજરાત હાઈકોર્ટે કોર્ટની કાર્યવાહી દરમિયાન ટોયલેટમાંથી વર્ચ્યુઅલ કોર્ટ સુનાવણીમાં હાજરી આપનારા એક વ્યક્તિ પર ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ડિવિઝન બેન્ચે અબ્દુલ સમદ પર દંડ ફટકાર્યો છે અને તેમને 22 જુલાઈ સુધીમાં રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

શૌચાલયમાંથી વર્ચ્યુઅલ સુનાવણીમાં હાજરી આપતો સમદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ, કોર્ટ રજિસ્ટ્રીએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે 20 જૂનના રોજ, જસ્ટિસ નિરઝર દેસાઈ સમક્ષ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન, સમદ 74 મિનિટ સુધી કાર્યવાહીમાં હાજરી આપતા જોવા મળ્યા હતા, જ્યારે તેઓ દેખીતી રીતે વોશરૂમમાં બેઠા હતા.

બાદમાં સમદના વકીલે કોર્ટને માફી માંગી હતી, અને ખાતરી આપી હતી કે આવી ભૂલ ફરીથી નહીં થાય. જોકે, હાઈકોર્ટે દંડ ફટકારવાનો નિર્ણય લીધો અને ઉદાહરણ બેસાડતા સમદને 22 જુલાઈ સુધીમાં કોર્ટમાં ₹1 લાખ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો.

ઘટનાની વિગતો

કોર્ટમાં રદ કરવાની અરજીની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન, ફરિયાદી, અબ્દુલ સમદ, વાયરલેસ બ્લૂટૂથ હેડસેટ પહેરીને ટોઇલેટમાંથી કેસની સુનાવણીમાં હાજર જોવા મળ્યો હતો.

કોર્ટના સત્તાવાર પ્લેટફોર્મ પર લાઈવ-સ્ટ્રીમ થયેલી સુનાવણીમાં, સમદને ક્લોઝ-અપ શોટમાં, તેણે દાખલ કરેલી ફરિયાદ સંબંધિત કાર્યવાહી દરમિયાન શૌચાલયમાં બેઠેલા દેખાતા દર્શાવવામાં આવ્યા હતા.

આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો અને કોર્ટે સમદ સામે કોર્ટના તિરસ્કાર બદલ કાર્યવાહી કરવા માટે પ્રેરિત કર્યા હતા.

આ પણ વાંચો