Gujarat: નવરાત્રિના પાવન પ્રસંગે ગુજરાતીઓને કેન્દ્ર સરકાર તરફથી મોટો ભેટ મળી છે. ગુજરાતને તેની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી રહી છે, જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ખાસ હાજરી આપી હતી.

આધુનિક સુવિધાઓથી સજ્જ

આ નવી ટ્રેન મુસાફરો માટે અનેક આધુનિક સુવિધાઓ લઈને આવી છે. તમામ કોચમાં CCTV કેમેરા, ચાર્જિંગ પોઇન્ટ અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં દરવાજો ખુલ્લો રહે ત્યારે એન્જિન સ્ટાર્ટ નહીં થાય તેવી તકનીકી સુવિધા પણ ઉમેરવામાં આવી છે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થાય. ઉપરાંત, ટ્રેનમાં ઈપી બ્રેકની સુવિધા આપવામાં આવી છે, જેના કારણે એકસાથે તમામ કોચમાં બ્રેક લાગશે અને ટ્રેન ઝડપથી રોકી શકાશે.

ઉદ્ઘાટન સમયે ગેરવ્યવસ્થા

જોકે, ઉધના રેલવે સ્ટેશન પર યોજાયેલા ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભારે અવ્યવસ્થા જોવા મળી. ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સ્ટેશન પર હાજર થતા કાર્યક્રમમાં ગોટાળો સર્જાયો. શાળાના બાળકોને પણ કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ ત્યારે બની ગઈ, જ્યારે મીડિયા કવરેજ માટે નક્કી કરાયેલ જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ અને ઓડિયા સમાજના લોકો બેસી ગયા. તેના કારણે મીડિયા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું. સમગ્ર અવ્યવસ્થાને કાબૂમાં લેવા રેલવે પોલીસ અસફળ રહી હતી, જેના કારણે આખા કાર્યક્રમ દરમિયાન ગેરવ્યવસ્થાનો માહોલ જોવા મળ્યો.

ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ

નોંધનીય છે કે, અમૃત ભારત એક્સપ્રેસની શરૂઆત સૌપ્રથમ અયોધ્યાથી ગોરખપુર વચ્ચે કરવામાં આવી હતી. આ ટ્રેન ખાસ કરીને સામાન્ય વર્ગના મુસાફરોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. ગુજરાત માટેની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન 09021/09022 નંબર હેઠળ ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 19021 ઉધના–બ્રહ્મપુર દર રવિવારે ઉધનાથી રવાના થશે, જ્યારે વળતી ટ્રેન નંબર 19022 બ્રહ્મપુર–ઉધના દર સોમવારે દોડશે.

પાંચ રાજ્યોને કરશે જોડાણ

આ નવી ટ્રેન પાંચ રાજ્યોને જોડશે. તે ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના મહત્વપૂર્ણ જિલ્લાઓને કવર કરશે. ટ્રેનમાં કુલ 22 એલએચબી કોચ અને બંને બાજુએ એન્જિન રાખવામાં આવ્યા છે. આથી, એન્જિન બદલવાની જરૂરિયાત વગર ટ્રેનને બંને દિશામાં મહત્તમ 130 થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી શકાય છે.

મુસાફરી વધુ આરામદાયક અને સસ્તી

આ ટ્રેન સામાન્ય લોકો માટે સસ્તી અને આરામદાયક મુસાફરીનું નવું સાધન બનશે. ટ્રેનના ભાડા અન્ય જનરલ કોચ જેટલા જ રાખવામાં આવ્યા છે. જનરલ કોચમાં મુસાફરી માટે 495 રૂપિયા, જ્યારે સ્લીપર કોચમાં મુસાફરી માટે 795 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે. આ રીતે લાંબી મુસાફરી કરનાર સામાન્ય મુસાફરોને ઓછા ખર્ચે વધુ સુવિધાઓ મળશે.

ગુજરાત માટેની આ પહેલી અમૃત ભારત એક્સપ્રેસ માત્ર એક નવી ટ્રેન નથી, પરંતુ સામાન્ય વર્ગના મુસાફરો માટે મુસાફરીનો નવો વિકલ્પ છે. સુરતથી ઓડિશા સુધી ચાલતી આ ટ્રેન અનેક જિલ્લાઓને જોડશે અને વેપાર, પ્રવાસન તેમજ સામાજિક સંબંધોને મજબૂત બનાવશે. જોકે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન થયેલી ગેરવ્યવસ્થાએ આયોજન પર પ્રશ્નો ઊભા કર્યા છે, છતાં મુસાફરો માટે આ ટ્રેન એક મહત્વપૂર્ણ અને સુખદ ભેટ સાબિત થશે.

આ પણ વાંચો