આમ આદમી પાર્ટીના Gujarat પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, વરસાદ પછી ભાજપ સરકારની નીતિ મગફળીના ખેડૂતોને રડાવી રહી છે. કારણ કે મગફળી ટેકાના ભાવ કરતા ખૂબ જ નીચા ભાવે ખરીદાઈ રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તમે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી લો કારણકે બજારમાં ભાવ મળતા નથી. એપીએમસીનું કામ છે કે ખેડૂતોને સારા ભાવ અપાવે અને ખેડૂતોને જ્યારે જરૂર હોય ત્યારે તેમને સારા પૈસા અપાવે. સરકારનું કામ પણ એવું છે કે બજારમાં ખેડુતો પાક લઈને આવે પહેલા ખરીદ વેચાણ થાય તેની વ્યવસ્થા ઊભી કરે જેથી ખેડૂત જેવો બજારમાં આવે તો તે ટેકાના ભાવે પોતાના માલને વેચી શકે.
પરંતુ આવી વ્યવસ્થા ઊભી કરવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. જેના કારણે ગુજરાત સરકારના પાપે ગુજરાતનો ખેડૂત ખુલ્લા બજારમાં લૂંટાઈ રહ્યો છે. હું સરકારને અપીલ કરીશ કે તાત્કાલિક ખરીદી શરૂ કરો અને 11 તારીખની રાહ ન જુઓ. બીજી એક ચેતવણી આપીએ છીએ કે એવી તૈયારી કરજો કે કંતાન ખૂટી ન જાય અને તૈયારી એવી કરજો કે મજૂરો ભાગી ન જાય, અને તૈયારી એવી કરજો કે ગોડાઉનમાં જગ્યા ન ખૂટી પડે અને તૈયારી એવી પણ રાખજો કે ગોડાઉન સળગી ન જાય કારણ કે આ પૈસા ખેડૂતોએ ભરેલા સૌથી વધારે જીએસટીના પૈસા છે. એ પૈસામાંથી જ તમે મગફળી ખરીદી રહ્યા છો. અમારા પરસેવાના પૈસાને તમે આગ ન લગાવતા એ બાબતે પણ અમે તમને ચેતવીએ છીએ.