Gujarat News: ગાંધીનગર સ્થિત રાજ્યના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે, જે લાંબા સમયથી ચાલતી આવતી પ્રથામાં નોંધપાત્ર ફેરફાર કરે છે. રાજ્ય સરકાર દ્વારા 13 ઓક્ટોબર 2025 ના રોજ જારી કરાયેલા આ આદેશ મુજબ, રેશનકાર્ડ હવે ઓળખના પુરાવા અથવા રહેઠાણના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહીં. તેનો ઉપયોગ ફક્ત સબસિડીવાળા અનાજ અને ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે જ કરવામાં આવશે.
રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ
આ નિર્ણય કેન્દ્ર સરકારના લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (નિયંત્રણ) આદેશ, 2015 ની કલમ 4(6) અને ગુજરાત માહિતી આયોગના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વિભાગના નાયબ સચિવ અમિત સંગારાની સહીવાળા આ પરિપત્રને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાની સૂચનાઓ સાથે મોકલવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના નિર્દેશનું પાલન: રેશનકાર્ડની સ્થિતિ બદલાઈ
રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી કે આ ફેરફાર બે મુખ્ય કારણોસર કરવામાં આવ્યો છે:
કેન્દ્ર સરકારના નિર્દેશ: ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા 2015 માં જારી કરાયેલા આદેશની કલમ 4(6) સ્પષ્ટપણે જણાવે છે કે, “રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ અથવા રહેઠાણના પુરાવા તરીકે કરવામાં આવશે નહીં.” આનો અર્થ એ છે કે રેશનકાર્ડને ઓળખ અથવા સરનામાના પુરાવા તરીકે ગણી શકાય નહીં.
Gujarat માહિતી આયોગનો આદેશ: 5 ઓગસ્ટ, 2025 ના રોજ, ગુજરાત માહિતી આયોગે રાજ્ય સરકારને આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરવાની ભલામણ કરી હતી. તેના આધારે, આ પરિપત્ર હવે લાગુ કરવામાં આવ્યો છે. આ નવા સરકારી નિર્ણયને પગલે, રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત નીચેના હેતુઓ સુધી મર્યાદિત રહેશે.
રેશનકાર્ડનો ઉપયોગ હવે મર્યાદિત
રેશન મેળવવા માટે: સબસિડીવાળા ભાવે અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે.
ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓ: સરકારી યોજનાઓ હેઠળ આપવામાં આવતી ગેસ અથવા અન્ય આવશ્યક વસ્તુઓ ખરીદવા માટે.
નાગરિકોએ હવે સરકારી કે બિન-સરકારી હેતુઓ માટે ઓળખ અથવા સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અથવા પાસપોર્ટ જેવા અન્ય માન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.
નાયબ સચિવ અમિત સંગારાના હસ્તાક્ષરિત આ આદેશ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાની સૂચનાઓ સાથે મોકલવામાં આવ્યો છે.