Gujarat: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત પ્રભાગ માટેની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરતાં પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, પૌરાણિક કાળથી પંચાયતની સંકલ્પના રૂપે ગામને મૂળભૂત એકમ તરીકે ગણવામાં આવે છે. ગ્રામ પંચાયતનું અસ્તિત્વ પણ તેટલું જ પૌરાણિક ગણાય છે. અથર્વ વેદ અને ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે.
પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મોટા ગામો, શહેરી વિકાસ સત્તા મંડળની આસપાસના ગામો તથા તાલુકાના મુખ્ય મથક કે જ્યાં નગરપાલિકા ન હોય ત્યાં શહેરની સમકક્ષ આંતર માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરી શકાય તે માટે ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવી માળખાકીય સુવિધા વિકસાવવા અંગેની નવી બાબત સૂચવવામાં આવી છે. તે માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૧૦૦.૦૦ કરોડની નવી જોગવાઈ કરવામાં છે.
જે અંર્તગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ, લીકવીડ વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રામ્ય રસ્તાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, ફૂટપાથ, બાગ બગીચા, ગ્રામ હાટ/બજારની સવલત ઉભી કરવા બાબત, કોમ્યુનિટી હોલ, સ્થાનિક કક્ષાએ રોજગારી પુરી પાડી શકાય તેવા કામો તેમજ સ્થાનિક કક્ષાએ જરૂરીયાત મુજબના કામો હાથ ધરી શકાશે.
તેમણે કહ્યું હતું કે, ઈકો સેન્સિટીવ ઝોન (ESZ) તેમજ અન્ય કોઈ પ્રતિબંધ હોય તેવા ગામોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે અમારી સરકાર કટિબધ્ધ છે. આવા ઇકો સેન્સિટીવ ઝોનવાળા ગામોના નાગરિકોને સારી સુવિધા મળે તે માટે વિકાસના કામો સૂચવવામાં આવ્યા છે. જેમાં (૧) બાયો ફેન્સીંગ (૨) ઈકો ટુરીઝમ (૩) ગૌચરની જમીનમાં ઘાસચારાનું ઉત્પાદન (૪) વાવાઝોડા તેમજ પૂરની સામે રક્ષણ મેળવવા કરવાના થતાં કામો (૫) પ્લાસ્ટીક મેનેજમેન્ટ યુનિટ (૬) સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ યુનિટ (૭) હોમ સ્ટે (૮) મીની મોલ (૯) વોક વે/સાયકલ ટ્રેક/વોટર બોડી ડેવલોપમેન્ટ તેમજ અન્ય જરૂરિયાત મુજબના કામો હાથ ધરી શકાશે. આ માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૩૫.૦૦ કરોડની નવી બાબત સૂચવવામાં આવી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત-૨.૦ યોજના અમલમાં લાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત-૨.૦ યોજના માટે ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ રકમ રૂ. ૩૦૦.૦૦ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાલુકાઓમાં ઘન તેમજ પ્રવાહી કચરાના નિકાલ માટે આયોજન કરાયેલ છે. જે નગરપાલિકામાં વેસ્ટ પ્રોસેસીંગ યુનીટ હયાત છે, ત્યાં ટેન્ડર પ્રકિયા દ્વારા નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ ૨૯૦૦ ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરીને ક્લસ્ટર દીઠ સબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકા વેસ્ટ પ્રોસેસીંગ યુનિટ નિકાલ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, જે નગરપાલિકામાં વેસ્ટ પ્રોસેસીંગ યુનિટ હયાત નથી, ત્યાં ક્લસ્ટર લેવલ પર એકત્રિત કરવામાં આવેલ જૈવિક કચરા માટે કંમ્પોસ્ટ પીટ અને અજૈવિક કચરાનો નિકાલ માટે રીસાયક્લીંગ તથા પુન: વપરાશ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા જે નગરપાલિકામાં વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ નથી, ત્યાં વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ બનાવવા અંગેની કામગીરી પ્રગતિ હેઠળ છે. પ્રોસેસિંગ યુનિટ તૈયાર થયા બાદ તે નગરપાલિકા વિસ્તારના આસપાસના ગામોમાં ઘન કચરાના વ્યવસ્થાપન અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
રાજયના ગામો સ્વચ્છ અને સુંદર બને તે માટે નાણાકીય વર્ષ-૨૦૨૫-૨૬માં રૂ. ૩૩૦.૦૦ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સોલર એનર્જી પર ખૂબ ભાર આપે છે. તેમનું સપનું છે કે, દરેક ઘરમાં સોલર એનર્જીનો ઉપયોગ થાય અને લાઇટ બીલમાં ખર્ચ કરવામાં આવતા પૈસાનો બચાવ થાય. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬૭૪ ગ્રામ પંચાયત ઘર, ૫૧ તાલુકા પંચાયત ઘર અને ૧૦ જિલ્લા પંચાયત ઘરોમાં વીજ બીલ બચાવવા માટે સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે. આગામી સમયમાં ૧૦૦% ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના મકાનોને સોલર રૂફ ટોપ સિસ્ટમથી આવરી લેવામાં આવશે. ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગની વર્ષ ૨૦૨૪-૨૫ ની નવી બાબત હેઠળ ગુજરાત રાજ્યમાં સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓમાં સોલર રૂફટોપ અંગેની યોજના હેઠળ ૧૦૦% રાજ્ય સરકારના અનુદાનથી તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મકાનો ઉપર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. આ માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યની ત્રણેય સ્તરની પંચાયતોના મકાનો માટે આ યોજના હેઠળ કુલ રૂ. ૧.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ૧૭ SDG (સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ) લક્ષ્યોને ૦૯ થીમ સ્વરૂપે એકત્રીકરણ કરી લોક કેન્દ્રીત અને સર્વગ્રાહી વિકાસના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાનું આયોજન છે. આ ૦૯ થીમમાં માળખાકીય સુવિધાઓ, આરોગ્ય અને શિક્ષણ, આર્થિક સૂચકાંકો, સામાજિક સૂચકાંકો, શાસન અને વહીવટ સંબંધિત પંચાયત સ્તરે થતી કામગીરી અને તેની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે પંચાયત એડવાન્સમેન્ટ સૂચકાંક (PAI)ની રચના કરવામાં આવેલ છે. પંચાયત એડવાન્સમેન્ટ સૂચકાંક અંતર્ગત ગુજરાતની તમામ ગ્રામ પંચાયત દ્વારા આપેલ માહિતીનું મૂલ્યાંકન કરી કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામપંચાયતને થીમ પ્રમાણે સ્કોર આપવામાં આવેલ છે. આ માટે રૂા. પ૦.૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.
મંત્રીશ્રી બચુભાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ગ્રામ પંચાયત, પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો છે તેમાં ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રી સરકારનો સીધો પ્રતિનિધિ છે. ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો અવિરત લાભ મળતો રહે તે માટે ગ્રામ પંચાયતોના મકાનો નવીન અને વધુ સગવડભર્યા બને તે જરૂરી છે. આ ઉપરાંત, તલાટી કમ મંત્રીની ગામમાં હાજરી ખૂબ જરુરી છે અને તે માટે તેઓને મુખ્ય મથકમાં કામ કરવાની અને રહેવાની યોગ્ય સવલત મળી રહે તે પણ એટલુ જ જરૂરી છે, જે ધ્યાને લઈને રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૬ થી નવીન પંચાયત ઘર કમ તલાટી આવાસ બનાવવા માટે યોજના અમલમાં મુકેલ છે.
પંચાયત વિભાગના તા. ૦૪/૦૬/૨૦૨૨ના ઠરાવથી ગ્રામ પંચાયત ઘર નવીન મકાન બાંઘકામ માટે ૫,૦૦૦ થી ઓછી વસ્તી માટે રૂ. ૧૭.૦૦ લાખ, ૫૦૦૦ થી ૧૦૦૦૦ વસ્તી માટે રૂ. ૨૨.૦૦ લાખ અને ૧૦,૦૦૦ થી વધુ વસ્તી માટે રૂ. ૨૭.૦૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. માલસામાન તથા મજુરીના દરોમાં વઘારો થતાં
તેમજ વર્ષ ૨૦૨૩-૨૪ના નવા SOR અમલમાં આવતાં, ગ્રામ પંચાયતોના મકાન વધુ સુવિધાયુકત અને ગુણવત્તાયુકત બને તે માટે તા. ૦૧/૦૨/૨૦૨૫ના ઠરાવથી અદ્યતન SOR મુજબ વધારો કરી ગ્રામ પંચાયત ઘર નવીન મકાન બાંઘકામ માટે ૫,૦૦૦ થી ઓછી વસ્તી માટે રૂ. ૨૫.૦૦ લાખ, ૫૦૦૦ થી ૧૦૦૦૦ વસ્તી માટે રૂ. ૩૪.૮૩ લાખ અને ૧૦,૦૦૦ થી વધુ વસ્તી માટે રૂ. ૪૦.૦૦ લાખની યુનિટ કોસ્ટ નક્કી કરવામાં આવેલ છે.
આ યોજના અન્વયે અત્યાર સુધીમાં મંજુર કરવામાં આવેલ ૩,૧૮૯ ગ્રામ પંચાયત ઘર પૈકી, ૨,૯૩૯ નવીન ગ્રામ પંચાયતના કામો પૂર્ણ થયેલ છે. વર્ષ ર૦૨૫-૨૬માં ગ્રામ પંચાયત ઘરની યોજના માટે રૂ.૭૨.૦૦ કરોડની જોગવાઇ કરી છે.
મંત્રીશ્રી કહ્યું હતું કે, આ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૦-૧૧ થી કરવામાં આવી. વર્ષ-૨૦૨૩-૨૪ના SOR અમલમાં આવતા તા.૧૯/૧૨/૨૦૨૪ના ઠરાવથી તાલુકા પંચાયત મકાન બાંધકામ માટે રૂ. ૫.૦૦ કરોડ અને જિલ્લા પંચાયતના મકાન બાંધકામ માટે રૂ. ૫૨.૦૦ કરોડ જેટલી માતબર રકમ રાજ્ય સરકાર દ્વારા અનુદાન સ્વરૂપે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૧૪૯ તાલુકા પંચાયતોના મકાનોના બાંધકામ માટે મંજુરી આપેલ છે.જે પૈકી ૧૧૩ તાલુકા પંચાયત મકાનોના કામ પૂર્ણ થયેલ છે. તે જ રીતે જિલ્લાઓ માટે ૧૯ જિલ્લા પંચાયત મકાનોના બાંધકામ માટે મંજૂરી આપેલ છે તે પૈકી ૧૨ મકાનોના કામ પૂર્ણ થયા છે. આ માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૬૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ નવા સુધારામાં વતન પ્રેમ યોજના હેઠળ નિયત થયેલ કામોમાં દાતાશ્રી તરફથી ૪૦ ટકા અને સરકારશ્રી તરફથી ૬૦ ટકા રકમની જોગવાઈ કરવાનું સૂચવવામાં આવેલ છે. આ યોજનાને વધુમાં વધુ સફળતા મળે તેમજ ફરીથી ગતિવાન બનાવવા માટે વતન પ્રેમ યોજના અંતર્ગત ૧૨ કામો થતા હતા. તેમાં કામોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
માદરે વતન યોજનામાં પણ સમાવિષ્ટ ૧૩ કામો મળીને હવે પછી વતનપ્રેમ યોજનામાં ૨૫ પ્રકારના કામો હાથ ધરી શકાશે. તેમજ જિલ્લા, રાજ્ય કે દેશ બહાર વસતા કોઈ પણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારશ્રીના અનુદાનથી ગામડાઓમા વધુ સારી સગવડો ઉભી થશે અને દાતાઓને પ્રોત્સાહન મળશે. આ માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૫.૦૦ કરોડની નવી બાબત સૂચવવામાં આવેલ છે તેમ, મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, જિલ્લા પંચાયતોને નિયમોનુસાર મળવાપાત્ર ૩૦૦ પૈસા લેખે ગ્રાંટની ફાળવણી કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત વડોદરા, વલસાડ, સાબરકાંઠા, જુનાગઢ, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા, અરવલ્લી, અમદાવાદ, બોટાદ, અમરેલી, પાટણ, ભરૂચ, ભાવનગર, પોરબંદર અને સુરત એમ કુલ-૧૬ જિલ્લાઓ દ્વારા અત્રે લોકલફંડ સેસની ગ્રાન્ટ માંગણી અંગે મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી છે. આમ, ઉપરોક્ત વિગતે જિલ્લા પંચાયતોને જમીન મહેસુલ ઉપરના સ્થાનિક ઉપકરનો વધારો મંજુર થયેથી વધારાના દર પ્રમાણે ચુકવણું કરવાનુ હોવાથી વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૧૦૦.૦૦ કરોડની નવી બાબત સૂચવવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતાનું સ્તર ઉંચુ લઇ જઇ લોકોના આરોગ્યમાં સુધારો કરવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ ગામડાઓમાં ડોર ટુ ડોર ઘન કચરાનું એકત્રીકરણ કરી લેન્ડફીલ સાઇટ સુધી લઇ જવા માટે રાજ્યના તમામ ગામોને આવરી લઇ વ્યક્તિ દીઠ માસિક રૂ.૪ની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે. આ માટે રાજય સરકાર દ્વારા તમામ જિલ્લા પંચાયતોને તેમની ગ્રામ પંચાયતોની સંખ્યા અને વસ્તીને ધ્યાને લઇ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. આ માટે, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૧૭૫.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જે ગ્રામ પંચાયતો ૧૦૦ ટકા સફાઇવેરાની વસુલાત કરે છે તેમને તેમની વસુલાત જેટલી વધારાની રકમ પ્રોત્સાહક ગ્રાન્ટ સ્વરૂપે ફાળવવામાં આવે છે.
આમ, દરેક ગ્રામ પંચાયતોને સફાઇ માટે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અને સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ અંતર્ગત ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૬૬.૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
મંત્રીશ્રી બચુભાઈએ જણાવ્યું હતું કે, ૧૫માં નાણાપંચ થકી રાજ્યની ત્રણેય સ્તરની પંચાયતોને સર્વાંગી વિકાસની યાત્રામાં જોડીને ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૨૫૭૯.૨૭ કરોડ ઉપરાંત નોંધપાત્ર રકમની જોગવાઈ કરવામાં આવેલ છે. આ રકમ પૈકી ૭૦% રકમ ગ્રામ પંચાયતને, ૨૦% રકમ તાલુકા પંચાયતને તેમજ ૧૦% રકમ જિલ્લા પંચાયતને મળનાર છે. આ રકમ સીધે સીધી જે તે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત ૧પમાં નાણાપંચ હેઠળ ફાળવેલ ગ્રાન્ટ માંથી ૬૦ ટકા ગ્રાન્ટ ટાઇડ ગ્રાન્ટ સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં પીવાના પાણીના કામો અને સ્વચ્છતાના કામો લેવામાં આવે છે. તેમજ બાકીની ૪૦ ટકા ગ્રાન્ટમાંથી વિકાસના અન્ય કામો માટે અનટાઇડ ગ્રાન્ટ રૂપે ફાળવવામાં આવે છે.
૧૫માં નાણાપંચમાં આવરી લેવાયેલ તમામ કામોની પ્રગતિના તબકકે Geo Tagging (જીઓ ટેગીંગ) કરવામાં આવે છે. તેમજ કામો પૂર્ણ થયેથી ચુકવણાં પણ ઓનલાઇન પદ્ધતિથી કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે, ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત રાજયના ૧૪,૧૮૧ ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી ઈ-સેવાઓનું વિતરણ કરવામાં આવેલ છે.જેમાં, ગવર્મેન્ટ ટુ સીટીઝન (G2C) સેવાઓ જેવી કે આધારકાર્ડ અપડેશન, ૭/૧૨ના ઉતારા, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, જન્મ-મરણ પ્રમાણપત્ર, ટેક્ષ કલેકશન, આવકનો દાખલો, વિધવા પ્રમાણપત્ર, ઇ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન વિગેરે તેમજ બીઝનેસ ટુ સીટીઝન (B2C) સેવાઓ જેવી કે વિજળી બીલ, ગેસ બીલ, ટેલીફોન/મોબાઇલ બીલ કલેકશન, ખાનગી વીમા કંપનીના પ્રિમિયમ કલેકશન, ડી.ટી.એચ. રીચાર્જ , રેલ્વે, બસ અને હવાઇ મુસાફરી માટેની ઇ-ટીકીટ બુકીંગ વિગેરે જેવી સેવાઓ પુરી પાડવામાં આવે છે. આમ, આ યોજના હેઠળ વિવિધ વિભાગની ૩૮૮ સેવાઓનો લાભ ઈ-ગ્રામ સેન્ટર દ્વારા ગામલોકો સુધી પહોંચાડવામાં આવે છે. દર વર્ષે વિવિધ યોજનાઓ હેઠળ અંદાજે ૫.૦૮ કરોડ ટ્રાન્ઝેકશન ઇ-ગ્રામ સેન્ટર થકી થાય છે. આ માટે વર્ષ ર૦૨૫-૨૬ માં રૂ.૧૬૦.૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બદલાતા સમય અને ટેક્નોલોજીના યુગમાં તાલીમ એ વ્યક્તિ વિકાસ અને કૌશલ્ય વધારવા માટે ખૂબ જ જરૂરી બાબત છે. તાલીમ એ નિરંતર ચાલતી પ્રકિયા છે. રાજયમાં પંચાયત વિભાગ હેઠળ ખૂબ જ મોટા પ્રમાણમાં અધિકારી/ કર્મચારીગણ તેમજ પદાધિકારીઓને તાલીમ આપવામાં આવે છે.
જે બાબત ધ્યાને લઇ પંચાયત વિભાગના પદાધિકારીશ્રીઓને તથા વિવિધ સંવર્ગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની પૂર્વ સેવા તાલીમ આપવા માટે ટેકનોલોજીના ઉપયોગ થકી અધતન સુવિધાઓ સહિતનું રાજ્ય કક્ષાનું અદ્યત્તન પંચાયત તાલીમ કેન્દ્ર બનાવવા વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૬.૦૦ કરોડની જોગવાઈ કરેલ છે.
તેમણે કહ્યું હતું કે, આપણા દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપવા તથા આવનાર પેઢીઓ સુધી લોકોના હદયમાં તેમની યાદગીરી સચવાઇ રહે તેવા શુભ આશયથી કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ખૂબ જ ટૂંકા સમયમાં લોકોના હદયમાં સ્થાન મેળવેલ છે અને હવે તો તે આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામેલ છે. જયાં રોજના હજારોની સંખ્યામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસીઓ મુલાકાત લે છે. જેના કારણે તે વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારમાં રોજગારીની વિપુલ તકો ઉભી થયેલ છે. આવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ ઓથોરીટી વિસ્તાર નજીકમાં આવતાં ગામોમાં શહેરી વિસ્તાર જેવી જ પીવાના પાણી, ગટર વ્યવસ્થા, રોડ રસ્તાની તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી માળખાકીય સુવિધાઓ અગ્રતાક્રમે ઉપલબ્ધ કરાવવી ખુબ જ જરૂરી છે. જે માટે વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૧૦.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, વાદ નહીં, વિવાદ નહીં, પરંતુ સંવાદ દ્વારા સર્વ સંમતિથી (બિન હરીફ) ચૂંટાયેલ ગ્રામ પંચાયતને પ્રોત્સાહક રકમ આપવાની યોજના એટલે સમરસ યોજના જેના થકી, અત્યાર સુધીમાં કુલ- ૧૪,૭૫૧ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થયેલ છે તે પૈકી ૭૬૯ ગ્રામ પંચાયતો મહિલા સમરસ જાહેર કરીને અત્યાર સુધીમાં કુલ રૂ. ૩૧૩.૩૨ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. આગામી વર્ષ ર૦૨૫-૨૬માં આ યોજના હેઠળ કુલ રૂ.૨૦.૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા થકી દૂર અને અંતરિયાળ વિસ્તારના લોકો સુધી વ્યકિતલક્ષી અને સમૂહલક્ષી યોજનાનો સીધો લાભ સરળતાથી પહોંચે તેમજ આ યોજનાઓના લાભ મેળવી તેમના જીવન ધોરણ ઉન્નત થાય અને તેઓ રાજ્યની મુખ્ય વિકાસની ધારામાં જોડાય તેવા અભિગમ સાથે રાજય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના થકી રાજ્ય સરકારની યોજનાઓનો લાભ, લાભાર્થીઓને સીધેસીધો સ્થળ ઉપર જ આપવામાં આવે છે.
અત્યાર સુધીમાં કુલ ૧,૬૩૯ ગરીબ કલ્યાણ મેળા દ્વારા રાજ્યનાં જુદા જુદા વિભાગોની વિવિધ યોજનાઓ અન્વયે ૧.૯૧ કરોડ લાભાર્થીને રૂ. ૪૧,૩૬૮.૯૭ કરોડની નાણાકીય સહાય ચુકવેલ છે. આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગરીબ ક્લ્યાણ મેળાના આયોજન માટે રૂ.૬.૫૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.
તેમણે કહ્યું હતું કે, એચ.એસ.જી-૪ જમીન વિકાસ અંગે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી નિવારણ કાર્યક્રમ મુજબ રાજ્ય સરકારને આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ માટે પાત્રતા ધરાવતા કુટુંબોને પંચાયત વિભાગના તા.૦૧/૦૫/૨૦૧૭ ના ઠરાવ મુજબ મફત પ્લોટ આપવામાં આવે છે, અને જ્યાં જમીન સમતળ કરવાની જરૂર હોય તે કિસ્સામાં રાજ્ય સરકાર તરફથી જમીન વિકાસ યોજના હેઠળ પ્લોટ દીઠ ૧૦૦૦/-નો વિકાસ ખર્ચ તથા એક સાથે ગામતળના ખાડા ટેકરાવાળી જમીન સમથળ કરવાની થાય તો ૧ હેક્ટર દીઠ રૂ.૫૦,૦૦૦/- ખર્ચની જોગવાઇ કરવામાં આવેલ છે.
વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં એચ.એસ.જી-૪ હેઠળ નાણાકીય જોગવાઇ શુન્ય થયેલ છે. પરંતુ સમગ્ર રાજ્યમાં જિલ્લાકક્ષાએ હાલ ગામતળ નીમ કરવા અંગેની કાર્યવાહી પ્રગતિ હેઠ્ળ છે. ત્યાર બાદ વિના મુલ્ય પ્લોટ ફાળવણીની કાર્યવાહી કરવાની થાય છે. એચ.એસ.જી-૪ જમીન વિકાસ યોજનામાં વર્ષ ૨૦૨૫-૨૬માં અનુદાન મેળવવા રૂ. ૧.૦૦ કરોડની નવી બાબત સૂચવવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, જિલ્લા પંચાયત હસ્તકના આરામગૃહ કે જે જર્જરીત હાલતમાં છે, રીપેરીંગ કામ કરાવી ચલાવી શકાય તેમ નથી તેવા આરામગૃહોના નવીન બાંધકામ માટે વર્ષ ૨૦૨૫-૨૬ માં રૂ.૧૦.૦૦ કરોડની નવી બાબત સૂચવવામાં આવે છે.
પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત પ્રભાગની રૂ. ૫,૦૯૪.૬૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.