Gujarat: ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગષ્ટ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૧૪૧૯.૬૨ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં રૂ. ૧૦૯૭.૩૧ કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય પેટે રૂ. ૩૨૨.૩૩ કરોડ ચૂકવાશે. 

મંત્રી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓગષ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ ર૦ જિલ્લાના મળી કુલ ૧૩૬ તાલુકાના કુલ ૬૮૧૨ ગામોમાં ભારે વરસાદ વરસતા અસરગ્રસ્ત થયા હતા. 

આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ ૧૨૧૮ જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે આશરે ૭ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. 

ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની રૂ. ૩૨૨.૩૩ કરોડની ટોપ અપ સહાય અપાશે. 

કૃષિ મંત્રી રાધવજી પટેલે કૃષિ રાહત પેકેજ માટે રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો વિશે વિસ્તૃત વિગતો આપી હતી.તદ્અનુસાર,

(૧) ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૮,૫૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૨,૫૦૦ સહાય મળી કુલ રૂ. ૧૧,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

(૨) વર્ષાયુ અથવા પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૧૭,૦૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૫,૦૦૦ સહાય મળી કુલ રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

(૩) બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. ૩૫૦૦ ચૂકવવામાં આવશે. 

જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજેમાં બિન પિયત પાકો માટે રૂ. ૪૭૫.૭૧ કરોડ, પિયત પાકો માટે રૂ. ૯૪૨.૫૪ કરોડ અને બહુવર્ષાયુ પાકો માટે રૂ.૧.૩૭ કરોડ મળી કુલ રૂ. ૧૪૧૯.૬૨ કરોડ સહાય ચૂકવવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું

અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.