Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવાનો ગ્રામીણ જનસુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં 5.50 મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ 668.30 કરોડ રૂપિયાની ફાળવણીની મંજુરી આપી છે.
એટલું જ નહી, જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ 1020.15 કિ.મી.ની લંબાઈના 787 માર્ગો સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી સુવિધા સભર રોડ નેટવર્ક આપવા પ્રતિબધ્ધ છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ રાજ્યના ગામડાઓને સુવિધાપથની સગવડ આપવા કરેલી આ 668 કરોડ રૂપિયાની ફાળવણીને પરિણામે ગ્રામ્ય વસ્તીને સારી સપાટી વાળા અને વધુ ટકાઉ તથા વરસાદી સિઝનમાં પણ કોઈ અડચણ ન પડે તેવા બારમાસી કોન્ક્રીટ રોડ મળશે.