Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. ૪,૨૦૦ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. ૩ હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. ૨ હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

વધુમાં, તેમણે જણાવ્યુ કે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને ૩ કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. ૮,૫૦૦ અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. ૨,૭૦૦ આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. ૮,૫૦૦ મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.