આમ આદમી પાર્ટીના(AAP) ગુજરાત પ્રદેશ કિસાન સેલ પ્રમુખ રાજુભાઈ કરપડાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ચાલુ સિઝનમાં Gujaratના ખેડૂતો પર ત્રણ વખત કુદરતી આફત આવી. જુલાઈ મહિનામાં અતિભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં તાલુકાઓમાં ખેડૂતોને મોટાભાઈ નુકસાન થયું. સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી પણ હજુ સુધી એક પણ ખેડૂતને એક પણ રૂપિયો સહાય પેટે ચૂકવવામાં આવ્યો નથી. ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર આફત આવી અને અતિશય વરસાદના કારણે પુર આવ્યા અને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા અને મોટાપાયે તમામ પાકમાં નુકસાન થયું. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચ્યું.
ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી અને ત્યારબાદ સરકારે સહાય કરવાને બદલે સર્વે કરવાની જાહેરાત કરી. તે સમયમાં 11 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી કેન્દ્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટની કે ટીમ આવી હતી તે ટીમ દ્વારા પણ તેવી માહિતી આપવામાં આવી કે ગુજરાતના નવ જિલ્લામાં ખેડૂતોને ખૂબ જ મોટું પાક નુકસાન થયું છે, તેમ છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. આજે સર્વેની કામગીરીને એક મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી સહાયની જાહેરાત થઈ નથી. અને હજુ સુધી સર્વે પણ પૂર્ણ થયો નથી. ખેડૂતોના ઘણા બધા સવાલો છે જેમ કે ક્યાં સુધી અમારે ખરાબ થઈ ગયેલો પાક સાચવી રાખો. ખેડૂતોને એ પણ સવાલ છે કે જો અમે પાક હટાવીને બીજા પાકની વાવણી કરીશું તો શું અમને વળતર મળશે કે નહીં? કેટલા દિવસોમાં સર્વે પૂર્ણ થશે? સર્વે કરનારી ટીમે એક પણ ખેડૂતની બેન્ક ડિટેલ લીધી નથી. બેંક ડીટેલ લીધી નથી તો સહાય કઈ રીતે ચૂકવશો? આ જોઈને અમને શંકા થાય છે કે ખેડૂતોને વળતર ન ચુકવવા માટે કોઈ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી કિસાન સહાયની ગાઇડલાઇન પણ સૂચવે છે અને નિષ્ણાતોનું પણ કહેવું છે કે 16 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીમાં જો બે ઇંચથી વધારે વરસાદ પડે તો આવા સમયમાં તૈયાર થયેલો પાક નિષ્ફળ જાય. આ ગાઈડલાઈન અનુસાર 50થી વધુ તાલુકાઓ છે જ્યાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે. તો આ તાલુકાઓને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે. પહેલી આફતમાં જેનો પાક બચી ગયો તેનો પાક બીજી આફતમાં નિષ્ફળ ગયો. જે થોડા ઘણા ખેડૂતો બીજી આફત દરમિયાન બચી ગયા તેમનો પાક ત્રીજી આફતમાં નિષ્ફળ ગયો. માટે સરકારની અમારી વિનંતી છે કે ખેડૂતો સાથે મજાક બંધ કરવામાં આવે, સર્વેના નાટકો બંધ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. જો સરકાર આ કામમાં વધુ વિલંબ કરશે તો આવનારા સમયમાં વધુ આક્રમકતા સાથે ખેડૂતો રોડ ઉપર ઉતરશે.