Gujarat: શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓને ‘દિવ્યાંગ’ જેવું સન્માનજનક નામ આપ્યું છે. વર્ષ ૨૦૧૬માં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-૨૦૧૬ને પણ પસાર કર્યો છે, જેના દ્વારા દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. 

છેલ્લા પાંચ વર્ષમાં ૬.૨૦ લાખથી વધુ દિવ્યાંગોને રૂ. ૬૫૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યાન્વિત કરી છે. આ યોજનાઓ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ૬.૨૦ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૬૫૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. દિવ્યાંગોને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવાથી તેઓ વધુ સશકત બન્યા છે. દિવ્યાંગો આત્મસન્માનથી જીવતા થાય તેવો સરકારનો અભિગમ આ યોજનાઓ થકી સાર્થક થયો છે.

રાજ્ય સરકારના દિવ્યાંગો માટેના વિવિધ કલ્યાણકારી નિર્ણયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તથા સામાજિક ન્યાય-અધિકારિતા મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના સામાજિક, આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનો માટેની વિશેષ ઓળખ અને સુવિધા માટે ‘યુનિવર્સલ આઈ.ડી કાર્ડ’ આપવામાં આવ્યું છે. આ આઈ.ડી. કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ એસ.ટી બસમાં મફતમાં મુસાફરી કરી શકે છે. તેમનો આ પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે.

સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા ૦ થી ૧૭ વર્ષ ફરજીયાતની જોગવાઇ દુર કરાઈ

સંતસુરદાસ યોજનામાં ૮૦%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને આ યોજનાનો લાભ મેળવવા માટે બી.પી.એલ કાર્ડ ધારક તથા ૦ થી ૧૭ વર્ષની ઉંમર હોવી જરૂરી હતી જેને દુર કરાયું છે. દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં મફત મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલીયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ જેવી દિવ્યાંગતામાં તેમના સહાયકને ૧૦૦% મફત મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતી જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.૧૦૦૦ સહાય આપવામાં આવે છે. 

એસ.ટી બસમાં મુસાફરીનો પાસ તથા દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય

દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ પાસ હવે જીવનભર માન્ય રહેશે. આ પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે.

સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવી તેમને  સમજવા અને તેઓના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉમદા હેતુથી દર વર્ષે તા. ૩ ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૪ની થીમ  ‘સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું’ રાખવામાં આવી છે.