Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારના મંત્રીમંડળ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળમાં નવા મંત્રીઓની નિમણૂક થઈ છે, સૌને મારા અભિનંદન. પરંતુ જે પ્રમાણે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, અધિકારીઓ આજે સાંસદો અને ધારાસભ્યોને પણ નથી ગાંઠતા, નકલી નકલીને ભરમાડા જોવા મળી છે, પોલીસનો ત્રાસ જોવા મળ્યો છે, ત્યારે સરકારમાં નવા મંત્રીઓ આવવાથી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી જશે તેવું હું માનતો નથી. હકીકતમાં ગુજરાતની જનતા ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી દઈએ, પણ હાલ લોકો 2027ની રાહ જોઈને બેઠા છે. મંત્રીમંડળમાં કોઈ પણ બેસે પરંતુ હેન્ડલિંગ દિલ્હીથી થાય છે. આજે આખી સરકાર નિષ્ફળ ગઈ છે માટે પોતાની છબી સુધારવા માટે અવારનવાર કેબિનેટમાં બદલાવ કરતા હોય છે. ગુજરાતના બે ભાઈઓ દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય કોઈ કામ થતા નથી. હાલ પણ જે લોકો મંત્રી બન્યા છે એ લોકો બસ આદેશની માનવાવાળા લોકો છે.

કુબેરભાઈ ડીંડોર મંત્રી હતા ત્યારે મારું એક પણ કામ થયું નથી. તેમની પાસે શિક્ષણ અને આદિવાસી વિકાસના બે મહત્વના ખાતા હતા. તેઓ પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા. આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દિલ્હીથી આદેશ થાય એ જ કામ થાય છે અને ગુજરાતમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. અમારા સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ અનેકવાર ફરિયાદ કરી કે અધિકારીઓ ગાંઠતા નથી. મનરેગાના કરોડો રૂપિયા બચુભાઈ ખાબડ અને કેટલી એજન્સીઓએ બરોબર પોતાને એકાઉન્ટમાં જમા કરાવ્યાએ મુદ્દે અમે પુરાવા રજૂ કર્યા હતા, તેના કારણે આજે બચુભાઈ ખાબડને મંત્રી પદ નથી મળ્યું. આ વિસ્તારમાંથી જેટલા પણ મંત્રીઓના નામ સામે આવ્યા છે અમે આશા રાખીએ છીએ કે તે લોકો જનતાના કામ કરે. પરંતુ એ લોકો એ જોઈને નથી લાગતું કે તે લોકો જનતાના ભરોસા પર ખરા ઉતરે.

હર્ષ સંઘવીએ પોલીસનો ભરપૂર ઉપયોગ કર્યો અને ખેડૂતો આંદોલન, બેરોજગાર યુવાનોનું આંદોલન સહિત અનેક આંદોલનને દબાવવાના પ્રયત્નો કર્યા છે, જેના કારણે તેમને પ્રમોશન મળ્યું છે. આ તમામ વસ્તુઓ ગુજરાતની જનતાએ જોઈ છે માટે આવનાર 2027ની ચૂંટણીમાં ગુજરાતની જનતા ચોક્કસ જવાબ આપશે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે અદાણીના પોર્ટ પરથી સૌથી વધુ ડ્રગ્સ પકડાયું છે પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી તે ક્યાં જાય છે? શું કરવામાં આવે છે? અને એના આરોપીઓ સામે પોલીસનો પાનો કેમ ટૂંકો પડે છે? એ અમને સમજાતું નથી. માટે દરેક કામગીરીમાં પોલીસનું વલણ શંકાસ્પદ છે. હવે હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે તો દિલ્હીના ડાયરેક્ટ ઓર્ડરથી હર્ષભાઈના સંકલનથી ગુજરાત ચલાવવામાં આવશે.

બીજું કે અમને જાણવા મળ્યું હતું કે દર્શનાબેન દેશમુખને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે પરંતુ મનસુખભાઈને થયું કે જો દર્શનાબેનને મંત્રી પદ મળશે તો આ વિસ્તારમાં મનસુખભાઈને કોઈ પૂછવા પણ આવશે નહીં અને બીજું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં સામેલ થશે તો આવનારી લોકસભા ચૂંટણીના દાવેદાર થઈ જશે એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાની સમર્થન કરે છે અને દર્શનાબેન અને ચૈતરભાઇના ધંધાઓ પાર્ટનરશીપમાં ચાલે છે, એવી પાયાવિહોણી વાતો કરી માટે સરકારમાં તેની નોંધ લેવાઈ. એમનું જૂથવાદ અત્યારે ચરમસીમા પર આવ્યું છે જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી