Chaitar Vasava News: વલસાડના નાનાપોંઢા ખાતે આયોજિત ગુજરાત જોડો જનસભામાં ધારાસભ્ય Chaitar Vasavaએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ વાત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે હજારોની સંખ્યામાં લોકો ગુજરાત રોડ જનસભામાં ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને મહત્વપૂર્ણ બાબતે છે કે, કપરાડાના આગેવાન દસકાભાઇ વિરૂભાઈ અને નીતિનભાઈ જેવા આગેવાનો 500થી પણ વધારે સમર્થકો સાથે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે. આ વિસ્તારોમાં નેશનલ હાઇવે 56 હોય, કોરિડોર હોય કે કોઈ હાઈ ટેન્શન લાઈન નાખવાની હોય તો આવા અનેક કામોમાં ગ્રામસભાની પરમિશન વગર પ્રોજેક્ટનો અમલીકરણ કરી દેવામાં આવે છે. જે લોકો વિસ્થાપિત થયા તે લોકોને જમીન સામે જમીન પણ નથી મળી, સિંચાઈનું પાણી કે મફત લાઈટ પણ નથી મળી. અમારા વિસ્તારમાં રોજગારી પણ નથી. અમારા યુવાનોનું બાર-બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે. આજે અમારી સાથે જોડાનાર આગેવાન કોંગ્રેસથી આવ્યા છે અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં એકલા હાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત તમામ ચૂંટણી લડશે. અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત છે. આજે ગુજરાત સરકાર દિલ્હીથી અને ગુજરાતના કેટલાક અધિકારીઓથી ચાલે છે. ધારાસભ્ય અને સાંસદનું ચાલતું નથી માટે હાલ ઘણા પેન્ડિંગ દબાવો પડી રહ્યા છે. 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારબાદ અમે ગુજરાતમાં ચુસ્ત પેસા એક્ટ અને અનુસૂચિ પાંચનું અમલીકરણ કરીશું. સાથે સાથે આદિવાસીઓના પેન્ડિંગ દાવાઓને પણ અમે મંજૂર કરી દઈશું. ભાજપના સાંસદ દ્વારા મારા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ મેં કલેકટર સાથે મુલાકાત કરી અને કલેક્ટરે સૌની સામે જાહેરમાં કહ્યું કે મારા પર લગાવવામાં આવેલા આરોપો પાયાવીહોણા છે. પરંતુ બાદમાં કલેકટર પર ED સુધીની ધમકી આપવામાં આવી અને મનસુખભાઈએ તૈયાર કરેલી સ્ક્રીપ્ટ કલેકટરના મોઢે બોલાવવામાં આવી. હું વિરોધ પક્ષનો ધારાસભ્ય છું અને મને નાની નાની બાબતોમાં ફસાવવાની કોશિશ થઈ રહી છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં જે 50 કરોડનો ખર્ચો થયો છે એ આદિજાતિ વિકાસના ફંડમાંથી ખર્ચ થયો છે. માટે અમે એક એક રૂપિયાનો હિસાબ માંગીશું. માટે અમે આ બધી CID તપાસની માંગ કરી છે. અમારી માંગ છે કે CID આ તપાસ કરે અને પૈસાની રિકવરી કરે.

ધારાસભ્ય Chaitar Vasavaએ સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, કમળનું બટન દબાવીને ત્રીસ વર્ષ સુધી તાલુકામાં, જિલ્લામાં, ધારાસભ્ય, સાંસદ, બધી જગ્યાએ એમની સરકાર તમે બનાવી આપી છે. હવે આજે ખબર પડી ગઈ ને શું થાય? આજે અહીંયા કોઈપણ પ્રોજેક્ટ લાવવો હોય, કોઈપણ કંપનીને જમીન આપવી હોય, તો ભારતીય જનતા પાર્ટી આપણને સંવિધાનમાં મળેલા અધિકારોમાં માનતી નથી. તેમની મનમાની કરે છે, તેમના સત્તામાં બેઠેલા મંત્રી, ધારાસભ્ય, જિલ્લાના પ્રમુખો કંપનીઓ પાસે પૈસા લઈને બારોબાર પ્રોજેક્ટને મંજૂરી આપી દે છે. ભલે પછી ગ્રામસભાની નામંજૂરનો ઠરાવ કરે, ખેડૂતો વિરોધ કરે, અમે બેઠા છીએ તમે પ્રોજેક્ટ લાવી દો. તેમ મનમાની કરે છે. ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવું પડશે આ દેશ સંવિધાનથી ચાલવો જોઈએ, નહીં કે નરેન્દ્ર મોદી કે અમિત શાહના આદેશથી. આપણને હિન્દુ ખ્રિસ્તીમાં લડાવે છે. આ વિસ્તારમાં હિન્દુ ખ્રિસ્તીના નામે લડાવાની વાત આ લોકો કરે છે. ત્યારે એવા લોકોને કહેવાનું છે તમે શિક્ષણની વાત કરો, રોજગારની વાત કરો, અમારી મૂળભૂત સુવિધાની વાત કરો. આવા લોકો હિન્દુ ખ્રિસ્તીમાં લડાવનારા જે પણ લોકો છે તેવા આરએસએસના અને ભાજપના લોકોને ઓળખી લેવાની જરૂર છે. માનવ ધર્મ એ પહેલો ધર્મ છે. આ ધરતી પર પહેલા આદિવાસી આવ્યો પછી બધા ધર્મ આવ્યા છે. આદિવાસીની સંસ્કૃતિ એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. આદિવાસી એ પ્રાકૃતિક પૂજક છે. જે દિવસે આદિવાસી પોતાની સભ્યતા અને સંસ્કૃતિ ભૂલી જશે એ દિવસે આદિવાસીઓના અનામત અને જે પણ અધિકારો મળ્યા છે જળ, જંગલ, જમીન પરના અધિકારો પણ સમાપ્ત થઇ જશે.

ધારાસભ્ય Chaitar Vasavaએ વધુમાં જણાવ્યું હતું કે, હમણાં પોલીસની ભરતી આવી રહી છે. તેમાં સરકારે આદિવાસીઓ માટે લઘુત્તમ 40% માર્ક લાવવા માટેની જોગવાઈ કરી છે. 100 માર્કનાં પેપરમાંથી ઓછામાં ઓછા 40 માર્ક લાવવાનાં. 40 માર્ક નહીં લાવો એટલે તમે અનામતમાં પણ નથી આવતા. બંધારણનાં આર્ટીકલ 330 અને 332માં આપણને શિક્ષણ માટે અનામત આપેલું છે. આપણને રાજકીય માટે અનામત આપેલું છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આર્ટીકલ 335નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે અને ૪૦ ટકા માર્ક લઘુત્તમ લાવવાના, આ પ્રકારનો નિયમ બનાવ્યો છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને અમે કહેવા માગીએ છીએ કે અમારી અનામતને જો તમે ઉની આંચ પણ લાવવાની કોશિશ કરશો તો આવનારા દિવસોમાં તમારા વિધાનસભાનાં બજેટ સત્રમાં અમે ઘેરાવો કરીશું. તમે શિક્ષણની અનામત છીનવવાની વાત કરો છો ? ત્યારે જે 27 ધારાસભ્ય અનુચ્છેદ 330 અને 332ના બંધારણીય સુચી મુજબ આપણને બધાને અનામત મળ્યું છે. આપણા ધારાસભ્ય જ્યારે આપણા વિદ્યાર્થીઓની ભરતીઓમાં અનામત છીનવે છે, ત્યારે એમની સરકારનાં જે લોકો બોલતા નથી એવા લોકોને પણ આવનારા દિવસોમાં કહેવાનું છે કે જો તમે શૈક્ષણિક અનામત જ ખતમ કરી નાખશો તો અમે આવનારા દિવસોમાં રાજકીય અનામત ખતમ કરવા માટે પણ ચૂંટણી આયોગમાં જવા માટે તૈયાર છીએ. જે દિવસે રાજકીય અનામત ખતમ થશે તે દિવસે આ વિસ્તારમાંથી આદિવાસી રિઝર્વ બેઠક પરથી જે સાંસદ બન્યા છે, આદિવાસીની રિઝર્વ બેઠકથી જે ધારાસભ્ય બને છે, આદિવાસીની રિઝર્વ બેઠક પરથી જે જિલ્લા તાલુકાના પ્રમુખ બને છે, આદિવાસીના રિઝર્વ બેઠક પરથી જે લોકો સરપંચ બને છે,આ લોકોને ભાન આવી જશે કે અનામત નહિ હોય ત્યારે તમારી કે મારી હેસીયત નથી કે આપણે ચૂંટાયને વિધાનસભામાં જઇ શકીએ.