Gujarat: રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ-મધ્યમમાં ૧૧૦ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૯૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૪૫ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૨ ડેમ એલર્ટ પર તેમજ ૧૭ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૯૩ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૯૭.૭૨ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨૦ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં ૦૯ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં ૧૨૨ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૦૮ ટકા અને વર્ષ ૨૦૨૪માં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ ૨૦૨૫માં આજની સ્થિતિએ ૧૦૮ ટકા વરસાદ નોંધાયો છે.