Gujarat રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખોરાકની સલામતી, લોકજાગૃતિ અને આગામી તહેવારોને અનુલક્ષીને તા.3 થી 17 ઓકટોબર દરમિયાન “ફૂડ સેફટી પખવાડિયા” નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સજ્જ છે. જેના પરિણામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂ. 6.3 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થ પકડી ભેળસેળિયા વેપારીઓને ઉગતા જ ડામી દેવામાં આવ્યા છે.
આ સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવી અખાદ્ય ચીજ વસ્તુઓ બનાવતા અથવા ભેળસેળ કરતા વેપારીઓને સરકાર સાંખી નહીં લે. આવા ભેળસેળિયા વેપારીઓ પર રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજો મળી રહે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા.3 થી 17 ઓકટોબર દરમિયાન “ફૂડ સેફટી પખવાડિયું” ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડિયા દરમિયાન તંત્રની જીલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ દ્વારા એન્ફોર્સમેન્ટ, અવેરનેશ, ટ્રેનિંગની વિવિધ પ્રવૃતિઓ અને લાયસન્સ/રજીસ્ટ્રેશનના કેમ્પ, ફૂડ સેફટી વ્હીલ્સનો ઉપયોગ કરી ટ્રેનીંગ, ટેસ્ટીંગ અને જાગૃતિ તથા નવરાત્રી દરમિયાન રાત્રીના સમયે પાર્ટી પ્લોટો અને મંડળોવાળી જગ્યાએ ફૂડ સ્ટોલની તપાસની કામગીરી કરવામાં આવી હતી. ફુડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે તા.17 ઓકટોબર સુધીમાં વિવિધ કચેરીઓ દ્વારા 2603 એન્ફોર્સમેન્ટ નમુના અને 5643 સર્વેલન્સ નમુના એમ કુલ 8246 જેટલા નમુના લેવામાં આવ્યા હતા તથા 3987 થી વધુ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા હતા. અત્યાર સુધી તંત્ર દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાએ આકસ્મિક કુલ 115 જેટલી રેડ કરી આશરે રૂ. 6.3 કરોડની કિમતનો 226 ટન જેટલો શંકાસ્પદ ખાદ્યચીજનો જથ્થો તહેવારો દરમ્યાન ગ્રાહક સુધી ન પહોંચે તે માટે થઇને તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકોના આરોગ્યના હિતમાં 8728 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખોરાક, જેની કિંમત અંદાજે રૂ. ૧૩.૭ લાખ થાય છે, તેનો નાશ કરવામાં આવ્યો હતો.
કમિશનરએ ઉમેર્યું હતું કે પી.એમ. પોષણ કાર્યક્રમ અંતર્ગત કામ કરતા સંચાલકોને તાલીમ મળી રહે તે માટે ઓનલાઈન ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.એમ. પોષણ કાર્યક્રમમાં કામ કરતા દરેક સંચાલક, શિક્ષકો વગેરે 90,000 થી વધુ લોકો ટ્રેનિંગ માટે જોડાયા હતા. આ ઉપરાંત, આંગણવાડીમાં કામ કરતા 60,000 કાર્યકરોને તંત્ર દ્વારા BISAG ખાતેથી ઓનલાઈન ટ્રેનિંગ આપી ફૂડ સેફ્ટી અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા કરવામાં આવતા જન જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડિયાના અંતે કૂલ ૧૪૦૦ જેટલા જાગૃતિ કાર્યક્રમ ફૂડ સેફટી ઓનવ્હીલ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં 8.5 લાખ જેટલા લોકોએ ભાગ લીધો હતો. વધુમાં ૨૦૦ જેટલી શાળાઓમાં પણ જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ફૂડ સેફટી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. ફૂડ સેફટી ઓનવ્હીલ્સ દ્વારા દિવસ દરમ્યાન 13,800 જેટલા નમુના તપાસવામાં આવ્યા અને ૧૦૦૦ થી વધુ ટ્રેનિંગ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં 16,000 જેટલા વેપારીઓ સહભાગી થયા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને રાત્રી દરમ્યાન પણ ફૂડ સેફટી ઓનવ્હીલ્સ દ્વારા ૫૬ લાખથી વધુ નાગરિકોને ફૂડ સેફટી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યની વિવિધ કચેરીઓ દ્વારા ૩૫૦થી વધુ ટ્રેનિંગ કાર્યક્રમ અને 400 થી વધુ જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં 8 લાખ જેટલા લોકોને ફુડ સેફ્ટી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. ખોરાકના વેપાર સાથે સંકળાયેલા લોકોના એશોશિયેશન સાથે વિવિધ સ્થળે 330 થી વધુ મીટીંગ પણ કરવામાં આવી જેમાં તેઓને આરોગ્યપ્રદ અને સલામત ખોરાક બનાવવા અને તેની જાળવણી માટેની સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત લાઈસન્સ/રજિસ્ટ્રેશન માટેના180 થી વધુ કેમ્પ કરવામાં આવ્યા અને 2500 જેટલા લાઈસન્સ/રજિસ્ટ્રેશન સ્થળ પર જ વેપારીઓને આપવામાં આવ્યા હતા.