Gujarat ના ખેડા જિલ્લામાં નડિયાદના દાવલિયાપુરામાં ગાંજાના લીલા છોડની ખેતી સાથે ઈસમ ઝડપાયો છે. જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા નડિયાદ ટાઉનની હદમાં મોટુ રેકેટ ઝડપી પાડવામાં આવ્યુ છે.
ટાઉન વિસ્તારમાં આવેલા દાવલિયાપુરા વિસ્તારમાં ખેડૂતે ગાંજાની ખેતી કરી હતી, પોલીસે તેને ગાંજાના લીલા છોડ સાથે અટકાયત કરી છે.મળતી માહિતી મુજબ નડિયાદના દાવલિયાપુરા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ હરમાનભાઈ પરમારે પોતાના ખેતરમાં ગાંજાની ખેતી કરી હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી. જેના આધારે એસ.ઓ.જી. પોલીસ દ્વારા આ દિલીપ પરમારના ત્યાં સપાટો બોલાવ્યો હતો, જ્યાં ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.
પોલીસે અત્રે ખેતરમાંથી લીલા ગાંજાના છોડ સહિત 1.12 લાખનો કુલ મુદ્દામાલ આ રેઈડમાં જપ્ત કર્યો છે અને હાલ ખેડૂતની અટકાયત કરી અને આ મામલે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ લખાય છે ત્યારે પોલીસ હજુ પણ સ્થળ પર કાર્યવાહી કરી રહી છે.
ભારતમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 (NDPS એક્ટ) હેઠળ ગાંજાની ખેતી, ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનારને સખત સજા થઈ શકે છે, જેમાં જેલ અને દંડનો સમાવેશ થાય છે.