Gujarat Congress Manifesto: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલેલા ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન અને ‘જનમંચ’ દ્વારા મળેલા લોકોના સીધા સૂચનોના આધારે આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો હોવાનું નેતાઓએ જણાવ્યું છે.

પાર્ટીનો દાવો છે કે આ મેનિફેસ્ટો માત્ર રાજકીય દસ્તાવેજ નહીં, પરંતુ જનતા સાથેનો જીવંત સંવાદ છે. કાર્યકરોએ ઘર-ઘર જઈ શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર લોકોના અભિપ્રાયો મેળવ્યા હતા, જેને આધારે શહેરો માટે અલગ-અલગ કમિટમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.

શહેરવાર ખાસ જાહેરાતો

વડોદરામાં વિશ્વામિત્રી નદી માટે ‘મેગા પ્રોજેક્ટ’ અને ટેન્ડર ભ્રષ્ટાચાર સામે શ્વેત પત્ર, મહેસાણામાં મહિલાઓ માટે ઘરવેરામાં 50% રાહત અને ગટર સમસ્યાનો ઉકેલ, નડિયાદમાં અંગ્રેજી-ગુજરાતી માધ્યમની આધુનિક શાળાઓ અને નવા ગામોને ટેક્સ મુક્તિ, વાપીમાં પ્રદૂષણ નિયંત્રણ અને સ્ટોર્મ વોટર લાઇન, જ્યારે મોરબીમાં મચ્છુ નદીનું શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ વિકાસ જેવી જાહેરાતો કરવામાં આવી છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ પર ભાર

કોંગ્રેસે દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, ગટર અને પીવાના પાણીની લાઈનોને અલગ કરવાની યોજના, ‘ખાડામુક્ત શહેર’ માટે રસ્તાઓનું નવીનીકરણ અને સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ જેવી સુવિધાઓનો સમાવેશ કર્યો છે. સાથે જ ‘જનતા ઓડિટ’ દ્વારા વિકાસ કાર્યોમાં પારદર્શિતા લાવવાનો વાયદો કરવામાં આવ્યો છે.

રોજગાર, આરોગ્ય અને શિક્ષણમાં મોટાં વચનો

મહાનગરપાલિકાની ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી, દરેક વોર્ડમાં સ્માર્ટ સ્કૂલ અને 24 કલાક હેલ્થ સેન્ટર, મફત નિદાન સુવિધા તેમજ મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વડીલો માટે સિટી બસમાં મફત મુસાફરી જેવી જાહેરાતો પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝન માટે ફ્રી હેલ્થ ચેકઅપ અને નાના વેપારીઓ માટે ‘વેન્ડર ઝોન’ની યોજના રજૂ કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે આ મેનિફેસ્ટો માત્ર વચન નથી, પરંતુ જનતાની આશાઓ અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે, જેને સત્તામાં આવતા જ અમલમાં મૂકવાની પાર્ટીની કટિબદ્ધતા છે.