Gujarat bjp: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંગઠન પર્વમાં દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28 પ્રદેશોમાં નવા અધ્યક્ષોની નિમણૂક થઈ ચૂકી છે. આ રાજ્યોમાં પાર્ટીએ નવી કાર્યપદ્ધતિ સાથે કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, ભાજપની પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં હજુ પણ નવા નેતૃત્વની રાહ જોવાઈ રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક બાદ જ ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક શક્ય બનશે.સી.આર. પાટીલનો કાર્યકાળ વર્તમાન ગુજરાત ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જુલાઈ 2020માં પ્રદેશ સંગઠનની કમાન સંભાળી હતી. તેમના નેતૃત્વમાં ભાજપે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કરી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ પાટીલના નેતૃત્વમાં પાર્ટીએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું, જોકે બનાસકાંઠા બેઠક પર જીત હાંસલ થઈ શકી નહોતી. 20 જુલાઈ 2025ના રોજ પાટીલ ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરશે.
નવા ચહેરાઓની શોધ
ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક માટે પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણી, આગામી મહાનગરપાલિકા અને પંચાયત ચૂંટણીઓમાં જીતની ખાતરી આપી શકે તેવા નેતૃત્વની શોધમાં છે. સંભવિત ઉમેદવારોમાં મોટાભાગે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજકીય વર્તુળોમાં એક મહિલા નેતાના નામની ચર્ચા પણ જોર પકડી રહી છે. નવા અધ્યક્ષની પસંદગી પાર્ટીના ભવિષ્ય અને ગુજરાતમાં તેની મજબૂતી માટે નિર્ણાયક સાબિત થશે.