ગુજરાતમાં RTE હેઠળ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને 16 માર્ચ કરવામાં આવી છે. અગાઉ આ તારીખ 12 માર્ચ હતી. RTEની વેબસાઇટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઇટ ધીમી ચાલી રહી હતી. જેના કારણે ફોર્મ ભરવામાં સમસ્યા આવતી હતી. જેથી હવે ઓનલાઇન ફોર્મ ભરવાની સમયમર્યાદા વધારવામાં આવી છે.
ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયાએ RTE મામલે જણાવ્યુ છે કે, RTE હેઠળ ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદ્દત વધારવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો થઈ શકે છે.

પહેલા RTE હેઠળ રૂપિયા 1,20,000 ની આવક મર્યાદિત હતી તે વધારીને 6 લાખ સુધીની થઇ શકે છે આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સારી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે સરકાર આ પગલાં લઇ રહી છે.
જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાઈટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને પ્રાઈવેટ શાળાઓમાં યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે આ કાયદો અમલવારી છે. જેમાં વિદ્યાર્થીને ધોરણ-1થી 8 સુધી મફતમાં શિક્ષણ મળે છે.