Gujarat ATS: ગુજરાત પોલીસના આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ અલ કાયદાને પ્રોત્સાહન આપવાના આરોપસર બેંગલુરુથી ધરપકડ કરાયેલી મહિલા શમા પરવીન અંસારી વિશે મોટો ખુલાસો કર્યો છે. ATS અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે શમા પરવીને ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને ભારત પર હુમલો કરવા અપીલ કરી હતી. ATS એ 29 જુલાઈના રોજ સોશિયલ મીડિયા દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ’ (AQIS) ને પ્રોત્સાહન આપવાના આરોપસર તેના ઘરેથી તેની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર તેના 10 હજારથી વધુ ફોલોઅર્સ છે.

Gujarat ATS એ જણાવ્યું હતું કે શમા પરવીન અંસારી બે ફેસબુક પેજ અને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ચલાવતી હતી. તેના 10 હજારથી વધુ ફોલોઅર્સ છે. આ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તે AQIS અને કેટલાક અન્ય કટ્ટરપંથી ઉપદેશકોની ઉશ્કેરણીજનક, જેહાદી અને ભારત વિરોધી સામગ્રી શેર કરતી હતી.

ATS દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર 9 જુલાઈના રોજ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી શિબિરો વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યાના બે દિવસ પછી, શમા પરવીને તેના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ અપલોડ કરી. જેમાં જનરલ મુનીરને ભારત પર હુમલો કરવાની ‘સુવર્ણ તક’નો લાભ લેવા વિનંતી કરી.

મુનીરના ફોટા સાથેની ફેસબુક પોસ્ટમાં શમા પરવીને કહ્યું “તમારી પાસે એક સુવર્ણ તક છે… ઇસ્લામનો પ્રચાર કરવા, મુસ્લિમ ભૂમિને એકીકૃત કરવા અને હિન્દુ ધર્મ અને યહૂદીઓનો નાશ કરવા માટે ખિલાફત યોજના અપનાવો… તેથી આગળ વધો.”

શમા પરવીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક મૌલવી ભારતીય મુસ્લિમોને સેનાને ટેકો આપવા અને પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ ટીકા કરતા સાંભળી શકાય છે.

પ્રેસ રિલીઝ અનુસાર મહિલા દ્વારા શેર કરાયેલી બીજી વિડિઓ ક્લિપમાં લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝ, સરકાર વિરુદ્ધ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા વિશે ઉશ્કેરણીજનક નિવેદનો આપતા સાંભળી શકાય છે.

ATS એ જણાવ્યું હતું કે ત્રીજા વિડીયોમાં AQIS નેતા ‘ગઝવા-એ-હિંદ’ વિશે વાત કરતો અને ભારતીય રાજ્ય વિરુદ્ધ હિંસા ભડકાવવા માટે ઉશ્કેરણીજનક કોલ કરતો જોવા મળે છે. ખાસ કરીને હિન્દુ સમુદાયના સભ્યો અને લોકશાહી શાસનની સંસ્થાઓને નિશાન બનાવતો.

ATS ના જણાવ્યા અનુસાર અંસારી બે અઠવાડિયા પહેલા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ દ્વારા ભડકાઉ સામગ્રી શેર કરવા બદલ ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓમાંથી એક સાથે જોડાયેલો હતો.

UAPA ની વિવિધ કલમો હેઠળ તમામ 5 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું હતું કે ગુજરાતના બે સહિત આ ચાર લોકોની અલગ અલગ રાજ્યોમાં ચલાવવામાં આવેલા અભિયાનના ભાગ રૂપે અલગ અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી હતી.