ગુજરાત ATS અને હરિયાણા STF દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાં હરિયાણાના ફરીદાબાદમાંથી 2 શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરાયેલ આતંકીમાંથી એકનું નામ અબ્દુલ રહેમાન છે. જે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુર ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેની ઉંમર લગભગ 19 વર્ષ છે હરિયાણા STF દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવી રહ્યો છે. તેમજ અન્ય એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકી પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ અને ઉર્દૂ લખાણવાળી કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે. જેની તપાસ પોલીસે હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ગુજરાત ATS ટીમ હરિયાણાના ફરીદાબાદના પાલી વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં ATS ટીમ એક ખાસ સંગઠન સાથે સંકળાયેલા યુવકની માહિતી પર પહોંચી હતી. ATS ટીમે એક ઘરમાંથી બે હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે ગુજરાત ATS અને ફરીદાબાદ પોલીસ પાલી વિસ્તારમાં પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં પોલીસ દળ હાજર રાખવામાં આવ્યું હતું.

ગુજરાત ATS ટીમે ગુજરાતના એક યુવકની ધરપકડ કરી હતી, જેની પૂછપરછ દરમિયાન ફરીદાબાદ માટે કેટલાક ઇનપુટ્સ મળ્યા હતા. આ પછી ગુજરાત ATS તેને અહીં લાવ્યું. એવી શંકા છે કે અબ્દુલ રહેમાન કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે.. બંને આરોપી સાથે કોઈ અન્ય સામેલ છે કે કેમ? આ સિવાય આ હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે તે શું કરવા માંગતા હતા? આ સિવાય આ આતંકીઓ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા તે વિશે પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને આતંકીઓ પાસેથી મળી આવેલા ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે.