Gujarat: સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી ફરી એકવાર રાહત મળી છે. કોર્ટે તેને ત્રીજી સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપી દીધા છે. હવે આ મામલે આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે થશે. નોંધનીય છે કે, આસારામે પોતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જામીન લંબાવવાની અરજી કરી હતી. તે પહેલાં, રાજસ્થાન હાઈકોર્ટે પણ 29મી ઓગસ્ટ સુધી આસારામના હંગામી જામીન લંબાવ્યા હતા. આ દરમ્યાન 18મી ઓગસ્ટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
અગાઉ પણ જામીન લંબાયા હતા
ગુજરાત હાઈકોર્ટે અગાઉ પણ આસારામના જામીન અનેક વખત લંબાવ્યા છે. 27મી જૂનના રોજ જામીન 7મી જુલાઈ સુધી વધારવામાં આવ્યા હતા. ત્યારબાદ 3મી જુલાઈએ જામીન એક મહિના માટે વધારાયા હતા. ત્યારપછી 7મી ઓગસ્ટે ત્રીજી વાર લંબાવીને 3 સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં વીઆઈપી સુવિધાના આક્ષેપ
આજીવન કેદની સજા ભોગવી રહેલો આસારામ હાલ જામીન પર બહાર છે. રાજસ્થાન હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની પેનલ દ્વારા તેની તબીબી તપાસ કરવામાં આવી હતી. સોમવારે સવારે 10:30 વાગ્યે પોલીસ જાપ્તા સાથે આસારામને અસારવા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. 13 નંબરની ઓપીડીમાં તેનો ઈકો અને ઈસીજી સહિત અનેક ટેસ્ટ થયા બાદ તેને ટ્રોમા સેન્ટર લઈ જવાયો હતો. આ દરમિયાન સામાન્ય દર્દીઓ માટે ટ્રોમા સેન્ટરનો પ્રવેશદ્વાર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આસારામ હોસ્પિટલમાં અંદાજે ચાર કલાક સુધી રહ્યો હતો.
હોસ્પિટલમાં હાજર દર્દીઓએ આક્ષેપ કર્યો કે, સામાન્ય દર્દીઓને ઘણી વખત સ્ટાફ ઉદ્ધત વર્તન સાથે બહાર કાઢી મૂકે છે, જ્યારે આસારામ સાથે પોલીસકર્મીઓ અને અંગત સિક્યુરિટી હોવા છતાં કોઈ રોકટોક નહોતી. વધુમાં તેને નવી વ્હીલચેર, નવી ચાદરવાળું બેડ જેવી ખાસ સુવિધા આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ થયો. એટલું જ નહીં, ટ્રોમા સેન્ટર પાસે તેની કાર પાર્ક કરાતા એમ્બ્યુલન્સનો રસ્તો અટકી ગયો હતો, જેના કારણે ઈમરજન્સી દર્દીઓને મુશ્કેલી પડી હતી.
મીડિયા સાથે ઝપાઝપી
આસારામ સિવિલ હોસ્પિટલમાં હોવાની જાણ થતા જ તેના સાધકો અને સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પરિસરમાં ભેગા થઈ ગયા હતા. આ દરમ્યાન, આસારામનો અંગત સિક્યુરિટી સ્ટાફ પણ બહાર તહેનાત રહ્યો હતો. મીડિયાકર્મીઓ ફોટા કે વીડિયો લેવાનો પ્રયાસ કરતા સાધકોએ તેમને રોકતા ઉદ્ધત વર્તન કર્યું હતું. તેમણે “ફોટા ન પાડો” કહીને અડંગો નાખ્યો અને કેમેરો ખેંચવાનો પણ પ્રયાસ કર્યો. આ દરમ્યાન મીડિયાકર્મીઓ અને સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
આ પણ વાંચો
- Ahmedabad: ગુજરાતનું હેરિટેજ સિટી કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની યજમાની, એશિયન કપ 2026 ક્વૉલિફાયર અમદાવાદમાં યોજાશે
- Gujarat: ભારે વરસાદની આગાહી, 7 જિલ્લાઓ માટે હવામાન વિભાગનો રેડ ઍલર્ટ
- Ahmedabad: માજી સૈનિકોનો ચક્કાજામ, ‘ઓપરેશન અનામત’ આંદોલન તેજ બન્યું
- Vibrant Gujarat રિજનલ કોન્ફરન્સ માટે માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સજ્જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કામ પુરજોશમાં
- લીંબડીમાં કોંગ્રેસ-ભાજપના વર્ષો જુના નેતાઓએ AAPનું ઝાડું પકડ્યું: Raju Karpada