કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમા અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. 24 કલાકમાં 9 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં 3.6 ઈંચ વરસાદ વરસ્યો ઠેય તાપીના વાલોડ તાલુકામાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે.

વલસાડના ધરમપુરમાં અને અમરેલીના બાબરામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો વલસાડના કપરાડામાં 3 ઈંચ છોટાઉદેપુરના કંવાટમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે. લાઠી, વાંસદા અને ઉમરપાડામાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. જેના કારણે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ કેરી સહિતના બાગાયતી પાકને વરસાદથી નુકસાન થતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ,પંચમહાલ અને મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.