Gujarat : પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદની હાજરી જોવા મળી હતી. દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સાંજે એકાએક ઘેરાયેલા વાદળો કડાકા ભડાકા અને વેગીલા વાયરા સાથે વરસી પડ્યા હતા. વાવાઝોડા જેવા પવનને કારણે રવાપરમાં ચાલી રહેલા અમૃત મહોત્સવમાં મંડપ ઉડ્યા હતા તો કેટલાક ગામોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.
ભુજમાં દિવસભર અસહ્ય બફારા બાદ મોડી સાંજે એકાએક ધૂળની ડમરીઓ ઉડી હતી અને બાદમાં ભારે ઝાપટું વરસી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નખત્રાણા તાલુકાના વિથોણ અને આજુબાજુના વિસ્તારોમાં સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડા જેવા પવનથી અનેક જગ્યાએ ઝાડ અને તેની ડાળીઓ નીચે પડી જતાં વીજ વિક્ષેપ સર્જાયો હતો. ગામમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં ભારે પવન લાગતા હિંગળાજ માતાજી મંદિરના પૂજારી પ્રકાશ પંડ્યાના મકાન પાસે વીજ તાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું. રવાપર પંથકમા એક દિવસ ના વિરામ બાદ સાંજના છ વાગ્યાના અરસામા તેજ પવન ફુંકાતા ગામમા ચાલી રહેલા અમૃત મહોત્સવમા મંડપ પડી ગયા હતા. અહીં આવેલા પાટીદાર પરિવારોને મુશ્કેલી પડી હતી. નાગવીરી રોડ પર આવેલા ઘરના આંગણામા વૃક્ષ અને દિવાલનો કઠોડો ધરાશાયી થયો હતો. નાગવીરી, નવાવાસ, વિગોડી, ઘડાણી, રતડીયા સહિતના ગામમા કમોસમી વરસાદની હાજરી રહી હતી.
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર, વિરાણી નાની, દોલતપર, માતાનામઢ સહિતના વિસ્તારમાં ભારે પવનની આંધી ફૂકાઈ હતી તો નરામાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, આગાહી વચ્ચે કચ્છમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદે હાજરી પૂરાવી હતી.
કચ્છમાં વાદળછાયા વાતાવરણ સાથે ફરી ગરમી વધવાની વકી
પશ્ચિમી વિક્ષોભની અસર તળે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે કચ્છમાં કાલથી ફરી કાળઝાળ ગરમી પડવાની સંભાવના દર્શાવાઇ છે. હાલે વાદળછાયા માહોલમાં ભેજનું પ્રમાણ સવારે સરેરાશ 80 ટકા તો સાંજે 50 ટકા જેટલું રહેતાં બફારો અનુભવાઇ રહ્યો છે. ગુરૂવારે ભુજનું મહત્તમ તાપમાન 36, કંડલા એરપોર્ટ મથકે 37, નલિયામાં 35.2 જ્યારે કંડલા બંદરે 35.4 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં ન્યૂનતમ પારો 23.8થી 27.2 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. આગામી ચારેક દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે તેની સાથે શનિવારથી અધિકત્તમ ઉષ્ણતામાન 3થી 5 ડિગ્રી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.
આ પણ વાંચો..
- Satish shah: સતીશ શાહે તેમના મૃત્યુના અઢી કલાક પહેલા શું સંદેશ મોકલ્યો હતો? રત્ના પાઠકે ખુલાસો કર્યો
- Pakistan ISIS આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે; તાલિબાન સાથેના સંઘર્ષ વચ્ચે પુરાવા બહાર આવ્યા
- Gujrat Weather: ગુજરાતના જૂનાગઢ, સોમનાથ અને અન્ય જિલ્લામાં વરસાદ, ઓરેન્જ એલર્ટ જારી, જાણો અમદાવાદનું હવામાન
- Mark: માર્ક ઝુકરબર્ગ જેવા ટેક જાયન્ટ્સ પોતાના ઘરોમાં ભૂગર્ભ બંકર કેમ બનાવી રહ્યા છે?
- Cricket Update: IPL 2026 પહેલા મોટો ફેરફાર, આ ટીમે બદલ્યો મુખ્ય કોચ





