Gujarat: ગુજરાતમાં રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના મળીને કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ નાગરિકોની સેવામાં ઉપલબ્ધ છે. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે કેટલાક રોડ, રસ્તા, પુલ અને અન્ય માળખાકિય સુવિધાઓને નુકસાન થયું છે.  જેના સમારકામ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માર્ગ-મકાન અને અન્ય સંબંધિત વિભાગને ચોકકસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને રાજ્યની ૧૨ મહાનગરપાલિકા વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીશ્રીઓની પ્રત્યક્ષ હાજરીમાં યુદ્ધના ધોરણે સમારકામના કાર્યો ચાલી રહ્યા છે.

જે અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી તેમજ ડેપ્યુટી કમિશનરશ્રી દ્વારા કાળવા ચોકથી ગીરનાર દરવાજા સર્કલથી ભરડાવાવ સર્કલ સુધીના રોડની મુલાકાત કરવામાં આવી હતી. જે સંદર્ભે ટેકનિકલ સ્ટાફ-ઈજનેરો, જે.સી.બી., રોલર, ૪-ટ્રેકટર અને ર૦-લેબરની મદદથી ભરડાવાવ સર્કલ, ગિરનાર દરવાજા સર્કલ પર વેટમીક્ષ, જી.એસ.બી. મટિરિયલ્સથી રિપેરિંગ તથા સી.સી. પેચવર્ક કરવાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત શહેરમાં આવેલા કુલ ૧૦૧ સંપૂર્ણ જર્જરિત બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી. જે અન્વયે કમિશનરશ્રીએ જવાહર રોડ, ગણેશ ફળિયા તથા આદર્શ નગર, ક્રિશ્ના એપાર્ટમેન્ટની બિલ્ડીંગ ઉતારવાની કામગીરીની સમીક્ષા કરી હતી.

તેવી જ રીતે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીની હાજરીમાં કોન્ટ્રાકટર દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને જુદા જુદા ફિલીંગ મટીરિયલ્સ જેવા કે જી.એસ.બી., વેટમીક્ષ, પરાજુ તેમજ જેટ પેચર મશીનનો ઉપયોગ કરીને કોલ્ડ મિક્ષથી રોડ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કમિશનરશ્રીએ 

કુંભારવાડા રેલ્વે અંડરપાસની સ્થળ વિઝીટ કરીને જણાવ્યુ હતું કે, કુંભારવાડા અંડરબ્રિજમાં જરૂર જણાયે સમારકામ કરાવવા અથવા નવા પુલની આવશ્યકતા જણાય તો તાત્કાલિક ધોરણે તે અંગેની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત ઘોઘા સર્કલ, રૂવા રવેચી ધામ-મંત્રેશ સર્કલ પર માર્ગ મરામતની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી વિગતો મેળવી નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી. 

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ક્ષતિગ્રસ્ત રસ્તાઓવાળી જગ્યાએ રૂબરૂ મુલાકાત કરી હતી. જે સંદર્ભે તમામ ટીમો દ્વારા ઝોનવાઈઝ વોર્ડમાં પોટહોલ-ખાડાઓનો સર્વે કરી વરસાદી દિવસોમાં વેટમિક્સ અને ડ્રાય દિવસોમાં હોટમિક્સ મટીરિયલનો ઉપયોગ કરીને પોટહોલ-ખાડાની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગરના સરગાસણ ખાતે સિટી ઈજનેરશ્રી તથા નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા રૂબરૂ સ્થળ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે કોન્ટ્રાક્ટરને રોડની ગુણવત્તા જળવાઇ રહે તે પ્રકારની કામગીરી કરવા સૂચના આપી હતી.

નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થળ વિઝિટ કરીને દાંડી માર્ગ ઉપર ચાલતા કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સદર કામગીરી અન્વયે સીસી રોડની કામગીરી ગુણવત્તા પ્રમાણે થાય તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું. 

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તેમની ટીમ દ્વારા સ્થળ પર મુલાકાત કરવામાં આવી હતી. જે અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં ગટર ઢાંકણા બદલાવવા,વરસાદી પાણીનો નિકાલ અને રોડ-રસ્તા રિસરફ્રેસિંગની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. અંદાજે ૩,૬૦૦ ટન વેટમિક્સ, ૧,૪૦૦ ટન જીએસબી અને ૧૫૦ ટન ડામરનો ઉપયોગ કરીને રોડ-રસ્તાની મરામત કરવામાં આવી હતી. 

મહેસાણા મહાનગરપાલિકાના કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરે રૂબરૂ સ્થળ પર જઈને મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તળેટી ગામમાં રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રસ્તાની ગુણવત્તા, માવજત તથા પૂર્વ આયોજનના અમલની વ્યવસ્થા પર સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી.

નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનર તથા આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરએ રૂબરૂ સ્થળ પર જઈને રિંગ રોડ તેમજ ગણદેવી-ઇટાડવા રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રસ્તાની ગુણવત્તા, માવજત તથા પૂર્વ આયોજનના અમલની વ્યવસ્થા પર સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર દ્વારા સ્થળ પર ચાલી રહેલા જેલ રોડ પર ડામર કામ, શનાળા રોડ અને નાની કેનાલ રોડ પર સ્ટ્રીટ લાઈટની કામગીરી તથા પંચાસર રોડ પર ડ્રેનેજ સફાઈની કામગીરીની સમીક્ષા કરી હતી.

આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિ૫લ કમિશનરશ્રી અને એન્જિનિયર દ્વારા વોર્ડ નં.૨ ખા૫ટ વિસ્તારની મુલાકાત કરી રોડ-રસ્તાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કમિશનરશ્રીએ સ્થાનિકો સાથે ચર્ચાઓ કરીને જરૂર જણાય ત્યા આવી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા હાજર અધિકારીઓને સૂચના આપી હતી. 

ગાંધીધામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર દ્વારા સ્થળ પર ઓસીયા મોલ પાસે પેવર બ્લોક રોડની કામગીરી તથા કચ્છ કલાથી પોલીસ સ્ટેશન તરફ રોડ પેચ વર્કની કામગીરીની ફિલ્ડ વિઝીટ કરીને નિરીક્ષણ કર્યું હતું. 

પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિ૫લ કમિશનરશ્રી તેમજ એન્જિનિયરે રૂબરૂ વોર્ડ નં.૨ ખા૫ટ વિસ્તારની મુલાકાત લઈને રોડ-રસ્તાની ચાલતી કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.