Gujarat: ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની વાર્ષિક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રી શ્રી હર્ષ સંઘવી સમક્ષ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ દ્વારા વિઝન-૨૦૩૦ હેઠળ રાજ્યનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ એક્શન પ્લાનના આધારે આગામી પાંચ વર્ષમાં પોલીસ, RTO, માર્ગ નિર્માણ વિભાગો, આરોગ્ય અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતમાં માર્ગ અકસ્માત મૃત્યુની સંખ્યા ૫૦ ટકા ઘટાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
બેઠકમાં મંત્રી હર્ષ સંઘવીએ સૌને શુભેચ્છાઓ સહ વધુ પરિણામલક્ષી કામગીરી કરવાની પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ તેમજ સ્ટેક-હોલ્ડર વિભાગોની સંયુક્ત કામગીરીના પરિણામે રાજ્યમાં અકસ્માત પ્રભાવિત ૮૨ બ્લેક સ્પોટ ખાતે છેલ્લા એક વર્ષમાં એક પણ અકસ્માત થયો નથી. સાથે જ, રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં થતા અકસ્માતોને ઘટાડવા એ માત્ર કોઈ એક વ્યક્તિ કે એક વિભાગની નહિ, પરંતુ સૌની સહિયારી જવાબદારી છે. ગુજરાત રોડ સેફટી ઓથોરીટી ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટને શોધીને તેને ઘટાડવાની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આવા અકસ્માતોને અટકાવવા માટે ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જાનહાની થઇ હોય તેવા મોટાભાગના અકસ્માતોમાં વાહન ચાલકે હેલ્મેટ ન પહેરવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. માર્ગ અકસ્માતમાં જાનહાની ઘટાડવા માટે આગામી સમયમાં નાગરિકોને હેલ્મેટના મહત્વને સમજાવવાના આશય સાથે રાજ્યવ્યાપી પ્રયત્નો હાથ ધરવામાં આવશે, જેથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય. આ ઉપરાંત રાજ્યભરના મુખ્ય હાઈવે પર થતા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે મંત્રીશ્રીએ રોડ પર દેશ-વિદેશના મેટ્રો સિટીમાં અપનાવવામાં આવેલી રંબલ સ્ટ્રીપ લગાવવાનું સૂચન કર્યું હતું.
મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર રાહવીરને હવેથી “રાહવીર યોજના” હેઠળ રૂ. ૨૫,૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેથી મહત્તમ નાગરીકોનો અમૂલ્ય જીવ ગોલ્ડન અવરમાં બચાવી શકાય.
ગુજરાતમાં ટૂંક જ સમયમાં ભારત સરકારની સૂચના અનુસાર “કેશલેસ સારવાર સહાય યોજના” લાગુ થશે, જેમાં અકસ્માત પીડિતને રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે. આ યોજનાનો ઉદ્દેશ ગોલ્ડન અવરમાં સારવાર આપી અકસ્માત પીડિતને મૃત્યુના મુખમાંથી ઉગારવાનો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ હોસ્પિટલ્સને એમ્પેનલ કરવામાં આવશે. પીડિતના સારવાર ખર્ચની રકમ હોસ્પટલને સીધી ખાતામાં જમા કરાવવામાં આવશે. આ યોજનાના ઝડપી અમલ માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ અભ્યાસ અર્થે પાયલોટ પ્રોજેકટ હેઠળના રાજ્યોની મુલાકાત લેશે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ચાલુ વર્ષે રાજ્યમાં વારંવાર અકસ્માત થતાં હોય તેવા નવા ૫૬ બ્લેક સ્પોટ્સ ઓળખવામાં આવ્યા છે. આ તમામ બ્લેક સ્પોટ્સ પર દિવાળી સુધીમાં જરૂરી સુધારાત્મક પગલા હાથ ધરીને અકસ્માતોને અટકાવવા મંત્રીશ્રીએ આદેશ કર્યો હતો. રાજ્યના અન્ય તમામ માર્ગો પર પણ માર્ગ સલામતીને લગતા જરૂરી પગલા લેવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત અકસ્માત પછી ઇજાગ્રસ્તોને તુરંત સારવાર મળી રહે તે માટે પણ આંતરિક સંકલન સાથે વિશેષ આયોજન કરવા સંબંધિત વિભાગોને મંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન મંત્રીશ્રીએ રાજ્યમાં બેજવાબદારીપૂર્વક અને બેફામ રીતે વાહન ચલાવતા નાગરીકો વિરુદ્ધ કડક એન્ફોર્સમેન્ટ કરી દાખલો બેસાડવા સૂચના આપી હતી. સાથે જ, મંત્રીશ્રીએ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની સૂચનાઓનો અનાદર કે અમલમાં વિલંબ કરનાર જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.
આ પ્રસંગે ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રીશ્રીના હસ્તે વિવિધ કેટેગરીમાં ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૪” એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સીટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટિ કેટેગરીમાં પ્રથમ ક્રમે ગીર સોમનાથ જિલ્લાને, દ્વિતીય ક્રમે ખેડા જિલ્લાને તેમજ તૃતીય ક્રમે મહીસાગર જિલ્લાને સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થા કેટેગરીમાં રાજકોટ-વાડીનાર ટોલવેને પ્રથમ ક્રમ, પરિવર્તન ટ્રસ્ટને દ્વિતીય ક્રમ તેમજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર અને યુનિસેફ-ગુજરાત ફિલ્ડ ઓફિસને તૃતીય ક્રમે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં મંત્રીશ્રીના હસ્તે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની “ઇનસાઇટ ઓન બ્લેક સ્પોટ મેનેજમેન્ટ” પુસ્તક અને “ગુજરાત રોડ સેફટી ડિરેક્ટરી”નું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, યુનિસેફ દ્વારા ધોરણ-૧ થી ધોરણ-૪ના બાળકો માટે માર્ગ સલામતી વિષય અંગે બનાવવામાં આવેલી “ઇન્ફોટેઈનમેન્ટ” પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. તદુપરાંત બેઠકમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા માર્ગ અકસ્માતોના આંકડાઓનું વિશ્લેષણ અને તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી રમેશચંદ મીના, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, વાહન વ્યવહાર કમિશનર શ્રી અનુપમ આનંદ, ગુજરાત રોડ સેફટી કમિશનર શ્રી સતીશ પટેલ, આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી. આર. પટેલીયા, GSRTCના ઉપાધ્યક્ષશ્રી એમ. નાગરાજન, માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી, IGP સ્ટેટ ટ્રાફિક શ્રી મનોજ નિનામા, નેશનલ હાઇવે ઓથોરિટીના ચીફ જનરલ મેનેજર શ્રી સુનિલ યાદવ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને માર્ગ સલામતી નિષ્ણાંતો ઉપસ્થિતિ રહ્યાં હતાં.