Gujarat: આજે રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે.

તે ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસવાની શક્યતા છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે ગુજરાતમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાત પર દેખાઈ રહી છે. સાથે જ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે. માછીમારોને 31 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના અંદાજ મુજબ ઓગસ્ટના છેલ્લે દિવસે પણ ભારે વરસાદ થશે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોને છોડવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી બે દિવસ ગુજરાત રીજનમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 4 અને 5 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વીજળી ચમકવાની શક્યતા સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાક પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતની આસપાસ હાલ બે મજબૂત વરસાદી સિસ્ટમ કાર્યરત છે. દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ બિકાનેરથી પસાર થઈ રહ્યા છે. ઉપરાંત નોર્થ કોંકણ પર પણ સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની સ્થિતિ રહી શકે છે.

આ પણ વાંચો