CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન- GRITની બીજી ગવર્નિંગ બોડીના અધ્યક્ષસ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, GRIT વિકસિત ગુજરાત@2047 અને ગુજરાત@2035નો રોડ મેપ સાકાર કરવામાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે GRIT દ્વારા વિભાગોના અને વિવિધ યોજનાઓના રોજબરોજના કામોના ડેટા ઉપલબ્ધ થઈ ગયા છે. તેના અસરકારક અમલીકરણ અને કામોને વધુ ગતિ આપવા આ ડેટા મહત્વપૂર્ણ બનશે. આના પરિણામે વિકસિત ગુજરાત@ 2047 ગુજરાત@2035 માટે જે વિભાગો પર વધુ ફોકસ કરવાની જરૂરિયાત છે. તે જાણીને એ દિશામાં આગળ વધી શકાશે.

વિકસિત ગુજરાત @ 2047 ના નિર્માણ માટે ભવિષ્યલક્ષી વિકાસ આયોજનમાં થિંક ટેક તરીકે માર્ગદર્શન માટે GRITની રચના કરવામાં આવેલી છે. તેની બીજી ગવર્નિંગ બોડીની બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠક પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ GRITની કચેરીમાં કર્યું હતું.

આ સ્ટ્રેટેજી રૂમમાં વિકસિત ગુજરાત @2047 ના લક્ષ્યોની પ્રાપ્તિ માટેની થઈ રહેલ વિવિધ કામગીરીઓ અને પ્રગતિનું એનાલિસિસ તથા યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન અને કી પરફોર્મન્સ ઇન્ડિકેટર – કે.પી.આઇ. ડેટા ટ્રેકિંગ સહિતની બહુવિધ કામગીરી હાથ ધરાશે. મુખ્યમંત્રીશ્રી અને મંત્રીઓએ સ્ટ્રેટેજી રૂમમાં ઉપલબ્ધ ડિજિટલ ડેશ બોર્ડ, લાઇબ્રેરી, પોડકાસ્ટ એરિયા તથા સંશોધન અને વિશ્લેષણની ઉપલબ્ધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ આયોજન પ્રભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા રાજ્યના જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એસ્ટીમેટ્સનું વિમોચન પણ કર્યું હતું. આયોજન પ્રભાગે કરેલી આ નવતર પહેલથી હવે, બધા જ ઈન્ડિકેટર્સમાં ઈફેક્ટિવ લોકલ ડેવલપમેન્ટ પ્લાનિંગ તથા ઈન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ માટે પોલિસી મેકર્સને વધુ સરળતા રહેશે.

GRITના સી.ઈ.ઓ. એસ. અપર્ણાએ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા GRITની રચના, 2025ના વર્ષમાં હાથ ધરાયેલા કામો, વિવિધ આયોજનો – વિકાસ કામોના અસરકારક અમલ માટેના સૂચનો તથા આગામી 2026 ના વર્ષના આયોજન પ્રસ્તુત કર્યા હતા. તેમણે 2047 સુધીમાં રાજ્યની ઇકોનોમીને 4 ટ્રીલીયન ડોલર પહોંચાડવા તથા 280 લાખ નવી રોજગારી સર્જન માટે રિજીયોનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનની તૈયારીઓના આયોજનની વિગતો આપી હતી.

આ ઉપરાંત એજ્યુકેશન, ફિશરીઝ, પોસ્ટ હાર્વેસ્ટિંગ મેનેજમેન્ટ, બ્લુ સ્કાય પોલિસી, ગ્રીન મેન્યુફેક્ચરિંગ અને સ્પાટિયલ કોમ્ય્યુટિંગ જેવા વિષયો પર રીવ્યુઝ, પોલીસી પેપર્સ, અભ્યાસ અને વર્કશોપના 19 પ્રકાશનો તથા ટાસ્કફોર્સ કમિટીના 3 અમલીકરણ સમીક્ષા અહેવાલોની ભલામણોના તારણો અને ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ગુજરાત@2035 માટે સ્ટેટ એજન્ડા તૈયાર કરવામાં પણ ગ્રીટની ભૂમિકા સહિતની સંપુર્ણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રચના થયાના 15 મહિનાના ટૂંકા સમયમાં જ GRIT ભવિષ્યલક્ષી થિંક ટેન્ક તરીકે ઉભરી આવ્યું છે તે માટે યુવા અને ઉત્સાહી ટીમની પ્રસંશા કરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ GRITના આ ડેટાની વિગતોનું ઈન્ટિગ્રેશન કરીને આગામી બજેટ તૈયાર કરવામાં વિભાગો ઉપયોગમાં લઈ શકે તેવો સુજાવ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ ફોરવર્ડ લુકિંગ પોલિસી રિસર્ચ, ઈનોવેશન અને ટ્રાન્સફોર્મેશનલ ગવર્નન્સ માટે GRITને વધુ સક્ષમ અને પ્રિમિયર ઈન્સ્ટીટ્યુટ તરીકે પ્રસ્થાપિત કરવાની દર્શાવેલી પ્રતિબદ્ધતાને ગવર્નિંગ બોડીની આ બીજી બેઠકમાં સૌ સભ્યોએ બિરદાવી હતી.

મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, નાણા વિભાગના અગ્ર સચિવ રાજીવ ટોપનો અને મુખ્યમંત્રીના સચિવ ડો.વિક્રાંત પાંડે તથા આયોજન સચિવ આદ્રા અગ્રવાલ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.